પોક્સો હેઠળ ગુનો દાખલ : પોલીસે ગણતરીના કલાકોમાં જ હેવાનને દબોચી લીધો
ધોરાજી
તા.2: ધોરાજીના બહારપુરા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી એક અત્યંત ગંભીર અને ચોંકાવનારી
ઘટના સામે આવી છે. અહીં માત્ર 14 વર્ષની એક સગીરા પર બદકામ કરવાના ઇરાદે તેને ઘરમાં
બંધ કરી, મોઢામાં ડૂચો મારી અને ત્યારબાદ પકડાઈ જવાના ડરે પહેલા માળેથી નીચે ફેંકી
દેવામાં આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
ધોરાજી
સીટી પોલીસ ઇન્સ્પેક્ટર ભાવેશ પટેલના જણાવ્યા અનુસાર, બહારપુરા વિસ્તારમાં રહેતા
27 વર્ષીય મોઈન નાસીર ચૌહાણ નામના શખ્સે તેના પાડોશમાં રહેતી 14 વર્ષની સગીરાને દૂધ
લેવા માટે મોકલી હતી. સગીરા જ્યારે દૂધ લઈને પરત આવી ત્યારે આરોપી મોઈને બદકામ કરવાના
ઈરાદે તેને પોતાના ઘરમાં બોલાવી લીધી હતી અને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. સગીરા
પોતાની જાતને બચાવવા બૂમાબૂમ ન કરે તે માટે નરાધમે તેના મોઢામાં કપડાનો ડૂચો મારી દીધો
હતો. આ તરફ સગીરા ઘરે ન પહોંચતા તેના માતા-પિતા ચિંતાતુર બન્યા હતા અને આસપાસમાં તેની
શોધખોળ શરૂ કરી હતી. સગીરાના પરિવારજનો તેને શોધતા શોધતા નજીક આવ્યા હોવાનો અહેસાસ
થતાં જ આરોપી મોઈન ચૌહાણ ગભરાઈ ગયો હતો. આરોપીએ સગીરાને સીધી ઘરના પહેલા માળેથી નીચે
ફેંકી દીધી હતી. પહેલા માળેથી પછાડાતા સગીરાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક
લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં સગીરાને તાબડતોબ સરકારી
હોસ્પિટલ ખાતે ખસેડી હતી. જ્યાં સગીરાની પ્રાથમિક સારવાર બાદ તેની ગંભીર હાલતને જોતા
વધુ સારવાર માટે જૂનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવી છે. પોલીસે આરોપી મોઈન
નાસીર ચૌહાણ (ઉં.વ. 27, રહે. પાંચ પેનની વાડી, ગરીબ નવાજ કોલોની, ધોરાજી) વિરુદ્ધ હત્યાના
પ્રયાસ તેમજ પોક્સો હેઠળ ગુનો નોંધી ગણતરીના
કલાકોમાં જ તેને દબોચી લીધો છે.