• રવિવાર, 31 મે, 2026

ગોમટામાં 46 વર્ષના ઢગાએ 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું

અધૂરા માસે જન્મેલા બાળકનું મૃત્યુ: આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લેવાયો

ગોંડલ, તા. 30: ગોંડલ તાલુકાના ગોમટા ગામેથી એક કલંકિત કિસ્સો સામે આવ્યો છે. 46 વર્ષના એક નરાધમે જે પોતે પણ 15 વર્ષની દીકરીનો બાપ છે તેણે માત્ર 14 વર્ષની માસૂમ અને મા વિહોણી સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી ગર્ભવતી કરી દીધી હતી. સગીરાએ અધૂરા માસે બાળકને જન્મ આપ્યો હતો જેનું સારવાર દરમિયાન મૃત્યુ હતું. બીજી તરફ પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. 

ગોમટા ગામે એક વાડી નવાગામના રાજેશ ઉર્ફે કાળુ વાગડિયા (ઉં.46) નામના શખસે ભાગમાં વાવવા રાખી હતી. વાડીમાં એક શ્રમિક પિતા-પુત્ર અને તેમની 14 વર્ષની દીકરી મજૂરી કામે આવતા હતા. રાજેશે સગીરાને નાસ્તા અને ભાગની લાલચ આપી, ફોસલાવીને તેના પર અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. જેના પરિણામે સગીરા ગર્ભવતી બની હતી. આ ઘટનાની જાણ પરિવારને થતા તાત્કાલિક પીડિત સગીરાને સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સગીરાએ અધૂરા માસે એક બાળકને જન્મ આપ્યો હતો. નવજાત શિશુને બચાવવા કાચની પેટીમાં રાખવામાંઆવ્યું હતું, પરંતુ બાળકનું  સારવાર  દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

આ ઘૃણાસ્પદ ઘટનાની જાણ ગોંડલ તાલુકા પોલીસને થતાં જ પોલીસે ગણતરીની કલાકોમાં રાજેશ ઉર્ફે કાળુની ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો. પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે, આરોપી પરિણીત છે. અને તેને ખુદને 15 વર્ષની દીકરી છે. તેની પત્ની હાલ રિસામણે છે. પોતાની દીકરીની ઉંમરની બાળકીની જિંદગી બરબાદ કરનાર આ શખસને કડકમાં કડક સજા થાય તેવી લોકમાગ ઊઠી છે. 

તાલુકા પોલીસના મહિલાકર્મીઓ આવ્યા પીડિતાના વહારે

આ બનાવમાં તાલુકા પોલીસની સંવેદનશીલતાએ સમાજ સમક્ષ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે. પીડિતા 14 વર્ષની સગીરાને જન્મ આપનારી માતા હયાત નથી. આવી કપરી અને આઘાતજનક સ્થિતિમાં, જ્યારે આ બાળકીને હુંફ અને આશ્વાસનની સૌથી વધુ જરૂર હતી, ત્યારે તાલુકા પોલીસ મથકના બે મહિલા પોલીસકર્મી નયનાબેન મનુભાઈ સદાદિયા અને એકતાબેન કાગડિયાએ પીડિતની માતા બનીને સેવા કરી હતી. 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક