સેલ્સગર્લ હર્ષિદા શેટ્ટીએ તલાશી સમયે મહિલા પોલીસ હાજર નહીં હોવાનો કર્યો આક્ષેપ
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા. 23: અમદાવાદના નિકોલના આભૂષણ જ્વેલર્સમાંથી રૂ. 1.66 કરોડના સોનાના ઘરેણાની ચોરીના
કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. આ હાઈપ્રોફાઈલ ચોરીના કેસમાં મુખ્ય આરોપી ગણાતી
સેલ્સગર્લ હર્ષિદા શેટ્ટી દ્વારા પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા
છે. સેલ્સગર્લના આક્ષેપોને પગલે હવે આ મામલો કોર્ટના ઉંબરે પહોંચ્યો છે અને કોર્ટે
કડક વલણ અપનાવતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને નિકોલ પોલીસને સત્તાવાર નોટિસ ફટકારીને
કોર્ટમાં હાજર થવા તેડું મોકલ્યું છે. હવે 25મી મેએ આ મામલે વધુ સુનાવણી હાથ ધરાશે.
હર્ષિદાના
વકીલ મારફતે કોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે કે, તેની ધરપકડ દરમિયાન સર્વોચ્ચ અદાલતની
ગાઈડલાઈન અને મહિલાઓની ધરપકડના નિયમોનું બિલકુલ પાલન કરવામાં આવ્યું નથી. આક્ષેપ મુજબ,
કોઈપણ મહિલા પોલીસ કર્મચારીની હાજરી વિના જ પુરુષ પોલીસ કર્મચારીઓ દ્વારા તેનું શારીરિક
ચાકિંગ કરવામાં આવ્યું હતું. જે કાયદાકીય રીતે મોટો ગુનો બને છે. આ ઉપરાંત તેનું કહેવું
છે કે, પોલીસે તેની પાસેથી ચોરીનું સોનું રિકવર કરવાની સાથે-સાથે વધારાના એક લાખ રોકડા
પડાવી લીધા હતા. ગ્રામ્ય કોર્ટે આ મામલે સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચને નોટિસ
પાઠવી જવાબ માગ્યો છે.