ભારતીય બજારમાં ભાવ સળગી ગયા: વાયદા કારોબારમાં રૂ.3,39,927ની નવી સપાટી ચાંદીએ મેળવી: રાજકોટ સોનું રૂ. 1.60 લાખ
(ફૂલછાબ
ન્યૂઝ)
રાજકોટ,તા.23: ચાંદીના ભાવમાં છેલ્લાં દસેક દિવસથી ચાલી રહેલી
તેજીની તીવ્ર રફતારમાં નવું સિમાચિહન મેળવાયું હતુ. વિશ્વ બજારમાં ચાંદીનો ભાવ ઇતિહાસમાં
પ્રથમ વખત 100 ડોલરની સપાટીને સ્પર્શી ગયો હતો. ન્યૂયોર્ક સ્પોટ માર્કેટમાં ચાંદીએ
રાત્રે સાડા આઠ વાગ્યે 100.41 ડોલરનું નવું સ્તર મેળવી લીધું હતું. અલબત્ત સોનું 5 હજાર ડોલરના નવા રેકોર્ડબ્રેક અને
મહત્વના લેવલને સ્પર્શી શક્યું ન હતુ.
વિશ્વ
બજારમાં સોનાનો ભાવ મોડી રાત્રે 4968.30 ડોલરના નવા ઉચ્ચ સ્તરને સ્પર્શીને 4950 ડોલર
ચાલી રહ્યો હતો. ચાંદીએ 100 ડોલર ઝડપથી મેળવી લીધાં છે પણ સોનાને કદાચ 5 હજાર ડોલર
થવામાં આવતું સપ્તાહ લાગી શકે છે.
વિશ્વ
બજારમાં તેજીની અસરથી એમસીએક્સમાં માર્ચ મહિનાનો ચાંદીનો સક્રિય વાયદો રૂ. 3,39,927ની
વિક્રમજનક સપાટીએ પહોંચ્યો હતો. સોનામાં ફેબ્રુઆરી મહિનાનો સક્રિય વાયદો રૂ. 1,59,226ના
સ્તરે હતો. રાજકોટમાં ચાંદી એક કિલોએ રૂ. 3,16,000 અને સોનાનો ભાવ ઐતિહાસિક રૂ. 1,60,000ની
સપાટીએ હતો.
અત્યંત
અનિશ્ચિત આર્થિક અને રાજકીય સમયગાળો ચાલી રહ્યો છે જેના કારણે કિંમતી ધાતુઓમાં જબરજસ્ત
તેજી થઇ ગઇ છે. 2025માં ભયંકર તેજી થયા પછી 2026ની શરૂઆતથી ગ્રીનલેન્ડ પર યુએસ અને
નાટો વચ્ચેના ઘર્ષણ, ફેડરલ રિઝર્વની સ્વતંત્રતા અંગેની ચિંતાઓ, અમેરિકા-ઇરાન સંઘર્ષ,
અમેરિકા-યુરોપ સંઘર્ષ અને ટેરિફ પર સતત અનિશ્ચિતતાને કારણે સલામત-આશ્રયસ્થાન સંપત્તિની
માંગમાં વધારો થયો છે. ઉક્ત કારણો બન્ને ધાતુઓને લગાતાર તેજી તરફ ધકેલી રહ્યા છે.
જોકે
મધ્યસ્થ બેંકોની ખરીદી અને ડોલરથી દૂર રહેવાના કારણે પણ સોનાના ભાવમાં તેજી જોવા મળી
છે તેમ વિષ્લેષકોએ ઉમેર્યું હતુ. વ્હાઇટ હાઉસ દ્વારા ફેડ નીતિ પ્રત્યે વધતી જતી ઉગ્રતા,
નીચા દરો અને વધુ કઠોર ફેડ ચેર માટે દબાણ, યુએસ સરકારના દેવા પર વિશ્વાસ ઘટાડા તરીકે
પણ ધ્યાનમાં લઈને ઘણા વિષ્લેષકો તેજીને વધુ આગળ જવા બળ આપશે એમ પણ કહે છે.
ફેડ
તેની 27-28 જાન્યુઆરીની બેઠકમાં વ્યાજ દરો સ્થિર રાખે તેવી અપેક્ષા છે, પરંતુ બજારો
હજુ પણ 2026 ના બીજા ભાગમાં બે વધુ દર ઘટાડા આવી શકે છે.