રાજકોટ, તા.23 : રાજકોટના 80 ફૂટ રોડ પર રહેતા સોની પરિવારે ફ્લેટ લીધા બાદ હપ્તા ચડી જતાં ઘરે બેઠા અગરબત્તી પાકિંગનો વ્યવસાય શરૂ કર્યો હતો, જેમાં નિષ્ફળ જતાં આર્થિક ભીંસથી કંટાળેલા પરિવારે ઘઉંમાં નાખવાના ટીકડા ખાઈ સામૂહિક આત્મહત્યા કરવાનો પ્રાયસ કરતાં સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના 80 ફૂટ રોડ પર
હ્યુન્ડાઈના શો રૂમની સામે સત્યમ પાર્ક 4માં રહેતા નિલેશભાઈ રતિલાલ સ્વદાસ (ઉં.વ.55),
તેમનાં પત્ની ચંદ્રિકાબેન નિલેશભાઈ સ્વદાસ(ઉં.વ.50)અને તેનો પુત્ર માર્ગિન નિલેશભાઈ
સ્વદાસ (ઉં. વ.30)એ ગઈકાલે રાત્રે એકાદ વાગ્યે પોતાનાં ઘરે ઘઉંમાં નાખવાના ટીકડા ખાઈ
લેતા સમગ્ર પરિવારને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
થોરાળા પોલીસે સિવિલ હોસ્પિટલે દોડી જઈ સમગ્ર બનાવ અંગે વિગત મેળવતા નિલેશભાઈએ જણાવ્યું
હતું કે તેને આશરે એક વર્ષ પહેલાં ફ્લેટ ખરીદ્યો હતો જેના છેલ્લા છ મહિનાના હપ્તા ભરવાના
બાકી હોઈ તેનાથી કંટાળી પરિવારે ઘરે બેસી અગરબત્તી પાકિંગ કરવાનો વ્યવસાય શરૂ કર્યો
હતો, પરંતુ છેલ્લા ઘણા સમયથી તે વ્યવસાય પણ ઠપ થઈ જતાં પરિવાર ભયંકર આર્થિક ભીંસમાં
સપડાયો હતો. અંતે આર્થિક ભીંસથી કંટાળી પરિવારે સજોડે જીવદોરી ટૂંકાવવા માટે ઝેરી દવા
ખાઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સમયસર મળેલી સારવારના લીધે પરિવાર બચી
જતાં પોલીસે સમગ્ર પરિવારનાં નિવેદન નોંધી કાયદેસર કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.