જામનગર, તા.23 : જામનગરમાં ધોળા દિવસે હત્યાની ઘટના સામે આવી હતી. શહેરના પંચેશ્વર ટાવર નજીક આવેલા વંડાફળી વિસ્તારમાં એક યુવાન પર તેના જ સાળા સહિત ત્રણ શખસે છરી વડે હિંસક હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો છે. પ્રેમ લગ્નનો ખાર રાખીને આ હિચકારું કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
જામનગર શહેરના પંચેશ્વર ટાવર
પાસેના વંડા ફળીમાં આવેલા આદિનાથ એપાર્ટમેન્ટના પાંચમા માળે રહેતા નિલય કુંડલિયા નામના
યુવાન પર ત્રણ શખસે ઘરમાં ઘૂસીને હુમલો કર્યો હતો. હુમલાખોરોએ નિલય પર છરીના ઘા ઝીંકી
દીધા હતા. આ લોહિયાળ દૃશ્ય જોઈ નિલયની પત્નીએ પોતાના પતિને બચાવવા આક્રંદ કરી મૂક્યું
હતું. પતિને બચાવવાના પ્રયાસમાં પત્ની પણ લોહીલુહાણ થઈ ગઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા
નિલયને તાત્કાલિક 108 મારફતે જી. જી. હોસ્પિટલ ખસેડાયો હતો પરંતુ હોસ્પિટલ પહોંચે તે
પૂર્વે જ તેનું મૃત્યુ નીપજ્યું હતું.
પોલીસની પ્રાથમિક તપાસ અને પરિવારના
આક્ષેપો મુજબ, આ હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર છે. મૃતક નિલયે થોડા સમય પહેલા જ
પ્રેમ લગ્ન કર્યા હતા. આ લગ્ન યુવતીના પરિવારને મંજૂર નહોતા, જેનાં કારણે બન્ને પરિવારો
વચ્ચે મનદુ:ખ ચાલતું હતું.