• સોમવાર, 20 મે, 2024

સૌરાષ્ટ્ર-કચ્છમાં કાળઝાળ ગરમી વચ્ચે 54.00 ટકા મતદાન : 5 ટકાનું ગાબડું

લોકસભાની આઠેય બેઠક પર વહેલી સવારથી મતદારોની કતારો લાગી,  બપોરે શુષ્ક મતદાન : એકંદરે શાંતિપૂર્ણ માહોલ રહેતા ચૂંટણી તંત્રને હાશકારો

રાજકોટ, તા.7 : લોકસભા ચૂંટણીનાં ત્રીજા તબક્કામાં આજે ગુજરાત સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં કાળઝાળ ગરમી અને દોઢ મહિનાથી ચાલતા ક્ષત્રિય આંદોલનને કારણે નિરસ બનેલા રાજકીય માહોલ વચ્ચે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યાનાં નિર્ધારીત સમયમાં અંદાજીત 54.00 ટકા જેવું મતદાન નોંધાયું હતું. રાજકોટ સહિતની આઠેય બેઠક પર આજે વહેલી સવારથી મતદારોની કતારો લાગી હતી, પણ બપોરે આકરાં તાપના કારણે મતદાન શુષ્ક રહ્યું હતું. જો કે, દિવસભર એકંદરે શાંતિપૂર્ણ માહોલ રહેતા ચૂંટણી તંત્રને હાશકારો થયો હતો પરંતુ છેલ્લા એકાદ મહિનાથી ચૂંટણી તંત્રએ મતદાન વધારવાનાં કરેલા પ્રયાસો બિનઅસર રહ્યા હોય એમ ગત ચૂંટણી-2019માં થયેલા 59.40 ટકા કરતા પાંચ ટકાના ગાબડું આવ્યું હતું. આ સાથે આજે ભાજપ-કોંગ્રેસ સહિતનાં 91 ઉમેદવારનું ભવિષ્ય ઈવીએમમાં કેદ થયું હતું. જેમાં ભાજપ-કોંગ્રેસ પક્ષ દ્વારા જીતનાં દાવા કરાયા હતા, પણ હવે 4 જૂને ખરો જનાદેશ આવશે. ગુજરાતમાં ક્ષત્રિય આંદોલનને કારણે રાજકારણનું એપી સેન્ટર બનેલા સૌરાષ્ટ્ર ઉપરાંત કચ્છની આઠ લોકસભા બેઠક પર સાંજના છ વાગ્યા સુધીમાં 54.00 ટકા મતદાન નોંધાયું હતું. સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટની લોકસભા બેઠક પર સવારથી જ મતદાન ટોચ પર રહ્યું હતું અને સૌથી વધુ 59.60 ટકા અંદાજીત નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછું અમરેલી જિલ્લામાં માત્ર 50.57 ટકા આસપાસ રહયું હતું, જે ગત ચૂંટણી કરતા 5ાંચ ટકા ઓછું રહ્યું છે.  રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના વિવાસ્પદ નિવેદનની ખાસ અસર જોવા મળી નહોતી. સૌરાષ્ટ્ર-કચ્છની 8 બેઠક પરના 91 ઉમેદવારોનું ભવિષ્ય ઇવીએમમાં કેદ થયું છે. જ્યારે માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનું સાંજના 6 વાગ્યા સુધીમાં 53.93 ટકા મતદાન નોંધાયું છે. પોરબંદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું 57.78 ટકા મતદાન નોંધાયું છે.

રાજકોટમાં આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકોએ મતદાન મથકે મત આપવા લાઇનો લગાવી હતી. રાજકોટમાં અનેક જગ્યાએ બેન્ડ-વાજા સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. અહીં ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ રાજા-મહારાજાઓ અંગે કરેલી ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ પ્રસર્યો હતો, જે રાજકોટથી શરૂ થયેલી વિરોધની આગ આખા ગુજરાતમાં પ્રસરી હતી. જેની તેની ખાસ અસર આજે જોવા મળી નહોતી.

જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાને સમાવતી લોકસભા બેઠક પર આજે 58.87 ટકા મતદાન થવા સાથે 11 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થયું હતું, જે ગત ચૂંટણીમાં 61.31 ટકા હતું. જ્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને સાંકળતી જામનગર લોકસભા બેઠક પર આજે 53.13 ટકા મતદાન થવા સાથે 14 ઉમેદવારોનું ભાવિ વોટિંગ મશીનમાં સીલ થયું હતું. જામનગર બેઠક પર મુખ્ય બે પ્રતિસ્પર્ધી ભાજ5 અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર છે.

અમરેલી લોકસભા બેઠક પર આજે મતદારો નિરસ રહ્યા હતા, અને સાંજ સુધીમાં માત્ર 50.57 ટકા મતદાન જ થયું હતું, જે ગત ચૂંટણીમાં 55.97 ટકા હતું. આ સાથે 8 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થયું હતું. એ જ રીતે ભાવનગર અને બોટાદ જિલ્લાને સાંકળતી ભાવનગર લોકસભા બેઠક પર આજે 13 ઉમેદવારો મેદાને હતા, જ્યાં 6 વાગ્યા સુધીમાં અંદાજે સરેરાશ 52.30 ટકા મત પડયા હતા. અહીં ગત ચૂંટણીમાં 59.05 ટકા મતદાન હતું, એટલે કે 7 ટકા ઓછું થયું હતું. એ જ રીતે પોરબંદર લોકસભા બેઠક પર આજે 51.76 ટકા અને વિધાનસભા બેઠક પર 57.78 ટકા મતદાન નોંધાયું હતું. અહીં છ ટકા જેવું ઓછું મતદાન થયું છે. જો કે, પોરબંદર લોકસભાની સાથે પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણી હોવાથી ભારે ઉત્સાહ સાથે મતદાનની પ્રક્રિયા પુરી થઈ હતી. અહીં લોકસભામાં 12 ઉમેદવારો અને પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કુલ 6 જેટલા ઉમેદવારો મેદાને છે.

કચ્છ લોકસભા બેઠક પર પણ આજે મતદાન 6 ટકાનાં ઘટાડા સાથે 52.34 ટકા મતદાન નોંધાયું હતું અને 11 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થયું હતું. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજે 53.43 ટકા જેટલું મતદાન થવા સાથે 14 ઉમેદવારોનું ભાવી ઇવીએમમાં સીલ થયું છે. મતદાન પૂરું થયા બાદ ઇવીએમ સુરેન્દ્રનગરની એમપી શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમમાં સીલ કરાયા હતા.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અંધશ્રદ્ધાનું નિશાન બનતું કૂમળુ ફૂલ : માસૂમ બાળકીને ભૂવાએ અગરબત્તીના ડામ દીધા રાજકોટ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા બાદ સમગ્ર ઘટના બહાર આવી May 19, Sun, 2024