• સોમવાર, 20 મે, 2024

સોમનાથ જિલ્લાની 4 વિધાનસભા બેઠક ઉપર 1040 મતદાન મથકો

જિલ્લામાં દસ લાખથી વધુ મતદારો નોંધાયાં : આજે મતદાનમાં 4500થી વધુ કર્મચારીઓ ફરજ બજાવશે

 

વેરાવળ તા. 6 : ગીર સોમનાથ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકોના 1040 મતદાન મથકો ઉપર દસ લાખ મતદારો નોંધાયાં છે. આવતીકાલે જિલ્લાના મતદારો પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે. મતદાન પ્રક્રિયામાં 4500થી વધુ કર્મચારીઓ ફરજ પર તૈનાત રહેશે.

કલેકટર દિગ્વિજયાસિંહ જાડેજાના જણાવ્યાનુસાર જિલ્લામાં ચાર વિધાનસભા મતવિસ્તાર સોમનાથ, તાલાલા, કોડિનાર, ઉનાના મળી 10 લાખથી વધુ મતદારો છે. આવતીકાલે 1040 મતદાન મથકો પર ચૂંટણી યોજાશે. જેમાંથી 361 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યાં છે. ચૂંટણી માટે જિલ્લામાં નોંધાયેલા 10,08,863 મતદારો પૈકી ગેરહાજર, સ્થળાંતર, અવસાન અને વિતરણ નહીં થયેલ કુલ બાકીને બાદ કરતાં 9,82,877 મતદાર કાપલીનું વિતરણ કરવામાં આવ્યું છે.

તેમણે ઉમેર્યુ હતું કે, 1040 મતદાન મથકો માટે 125% લેખે 1299 બેલેટ યુનિટ, 1299 કંટ્રોલ યુનિટ અને 135% લેખે 1402 વીવીપેટની આજે ફાળવણી કરવામાં આવી છે. મતદાન માટે જિલ્લામાં કુલ 4,572 કર્મચારીઓ મતદાન પ્રક્રિયા અંગે ફરજ બજાવશે. જિલ્લામાં સવેતન રજા મળે તે માટે તંત્ર દ્વારા સ્ક્વોડ બનાવીને પણ તેની ખાતરી કરવામાં આવશે. હિટવેવની સ્થિતિને ધ્યાનમાં રાખીને મતદાન મથકોએ પૂરતાં પ્રમાણમાં ઓ.આર.એસ અને મેડિકલ કિટ ઉપલબ્ધ રાખવામાં આવી છે. મેડિકલ ઈમરજન્સી માટે 53 એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી છે. 

ડીડીઓ સ્નેહલ ભાપકરએ જણાવ્યું છે કે, જિલ્લામાં આવેલા વિશિષ્ટ મતદાન મથક એવા બાણેજ વિશેની એક વિશેષ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પણ બનાવવામાં આવશે.  તે જ રીતે માધુપુર-જાંબુર ગામે વસુધૈવ કુટુમ્બકમની થીમ ઉપર મતદાન મથકો ઉભા કરવામાં આવ્યાં છે. જિલ્લાની 4 વિધાનસભામાં 28 સખી મતદાન મથકો બનાવવામાં આવ્યાં છે જેને રંગોળી અને તોરણથી સજાવવામાં આવ્યાં છે.

જિલ્લા પોલીસવડા મનોહરાસિંહ જાડેજાએ જિલ્લામાં સુરક્ષા અને સંવેદનશીલ મતવિસ્તારોને ધ્યાનમાં રાખીને 2500 પોલીસ તેમજ અર્ધલશ્કરી દળના જવાનો તૈનાત કરવામાં આવ્યાં છે. આદર્શ આચારસંહિતા અમલી બની તે પછી સુરક્ષાની દ્રષ્ટિએ પગલાં લઈને પાસા, તડીપાર સહિતના પગલાઓ દ્વારા 5300 લોકો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યાં છે. કુલ રૂ.53,52,591નો દેશી તથા ઈંગ્લીશ દારૂ, વાહનો અને અન્ય મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. લાઈસન્સ ધરાવતા કુલ 443 વ્યક્તિઓ પાસેથી હથિયાર જમાં લેવામાં આવ્યા છે. તેમજ ગેરકાયદેસર હથિયાર ધરાવતા 4 હથિયાર અને 5 કાર્ટિઝ કબજે કરી હથિયારધારા હેઠળ કેસ કરવામાં આવ્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક