-પોલીસે
મહામંત્રી અને અન્ય સાગરીતની ધરપકડ કરી : પુત્ર રાજ મોદી સામે અગાઉ 11 ગુના
(અમારા
પ્રતિનિધિ તરફથી)
સુરત,
તા. 24: સુરતના લાલગેટ વિસ્તારમાં ભાજપના જ એક હોદ્દેદારે પોતાના પુત્ર સાથે મળી ઘરમાં
જ વિદેશી દારૂનો ઠેકો ચલાવતા હોવાનો લાલગેટ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્થળ
પરથી વિદેશી દારૂની નાની મોટી બોટલો મળી કુલ નંગ 645 મળી કુલ રૂ.3 લાખનો મુદ્દમાલ કબ્જે
કરી ભાજપના વોર્ડ નંબર 12ના મહામંત્રી અને તેના સાગરીતને ઝડપી પાડ્યા છે, જ્યારે તેનો
પુત્ર ફરાર થઈ ગયો હોવાથી તેની શોધખોળ શરૂ કરી છે.
લાલગેટ
પોલીસ મથકના પી.આઈ એચ.જે. સોલંકીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એસ.એ.અસારી
અને તેઓની ટીમને બાતમી મળી હતી કે ખાંડ બજાર ખાતે આવેલા એસ.એમ.સી. પાર્કિંગની પાછળ
લક્ષ્મીભવનના પહેલા માળે રહેતા રાજ મોદી અને વિજય મોદી પોતાના જાળીવાળા ઘરમાં વિદેશી
દારૂનો જથ્થો રાખીને વેચાણ કરે છે અને હાલ પગથિયાં પાસે દારૂના પાકિંગનું કામ ચાલી
રહ્યું છે. જે હકીકત આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી ઘરમાં તપાસ કરતા ઘરમાંથી ભારતીય
બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી કુલ 645 બોટલ કિં.રૂ.2,65,519 સહિત
વિવો કંપનીના બે મોબાઈલ ફોન મળી કુલ રૂ. 3,00,519 ની મત્તાનો મુદ્દામલ કબજે કરી આરોપી
વિજય રતિલાલ મોદી (ઉં.62) અને કરણ રાકેશભાઈ પાનવાલા (ઉં.29)ની ધરપકડ કરી છે.
વ્યવસાયે હીરાનો કારીગર એવો કરણ પાનવાલા પિતા-પુત્ર
માટે દારૂના પાકિંગ અને વેચાણનું કામ કરતો હતો. આ મામલે પોલીસે વિજય મોદીના પુત્ર રાજ
વિજયભાઈ મોદીને વોન્ટેડ જાહેર કરી ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસની
પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા મુખ્ય આરોપી વિજય મોદી સુરત ભાજપના વોર્ડ નંબર 12ના મહામંત્રી
હોવાનું સામે આવતા સ્થાનિક રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. બીજી તરફ, ફરાર થઈ
ગયેલા પુત્ર રાજ મોદીનો ગુનાઈત ઇતિહાસ તપાસતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે. રાજ સામે
અગાઉ સુરતના લાલગેટ, રાંદેર, ખટોદરા, ઓલપાડ, પલસાણા, ડીસીબી તેમજ નવસારીના મરોલી પોલીસ
મથકોમાં પ્રોહિબિશનના કુલ 11 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. ઉપરાંત અન્ય આરોપી કરણ પાનવાલા
સામે પણ અગાઉ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં દારૂનો ગુનો નોંધાયેલો હોવાનુ જાણવા મળ્યું
છે.