• ગુરુવાર, 26 નવેમ્બર, 2026

ટ્રમ્પનો નવો ટેરિફ બોમ્બ : ભારત ઉપર 25%, ચીન ઉપર 40%

- ભારત સહિત 14 દેશ અમેરિકાના નિશાને : તમામ દેશ સસ્તા દરે સામાન વેંચતા હોવાથી અમેરિકી કંપનીઓને નુકસાનનો આરોપ

વોશિંગ્ટન, તા. 25 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ભરોસો કરવા જેવો નથી. વિશ્વના વેપાર જગતમાં ભારે ખળભળાટ મચાવી દેનારું પગલું ભરતાં ટ્રમ્પ પ્રશાસને ભારત સહિત 14 દેશો પર નવા ટેરિફની તલવાર વીંઝી દીધી હતી. ભારત સહિત સાત દેશો પર 25 ટકા ટેરિફ લગાવાશે, તો સૌથી મોટો ઝટકો ચીનને આપતાં જગત જમાદારે ડ્રેગન પર 40 ટકા ટેફિર ઝિંક્યો છે.

મધ્યસત્ર ચૂંટણીમાં પોતાની રિપબ્લિકન પાર્ટીના પરાજય પછી પણ વલણમાં કોઈ જાતનો સુધારો ન આવ્યો હોવાની પ્રતિતિ કરાવતાં ટ્રમ્પે બુધવારે અચાનક ટેરિફ બોમ્બ ફોડયો છે, જેની આગથી દુનિયાના 14 દેશની બજારો દાઝી ઊઠશે.

અહેવાલો અનુસાર, અમેરિકાએ આ આકરું પગલું દુનિયાભરની બજારોમાં ટ્રમપ પ્રશાસનના મત મુજબ, જરૂરતથી વધારે ઔદ્યોગિક ઉત્પાદનની સમસ્યા સામે લડવાના ઈરાદા સાથે ભર્યું છે.

ટેરિફની તલવારના પ્રહારની સૌથી ગંભીર ઈજા ચીનને થશે. પહેલાંથી લાગૂ ટેરિફ ઉપરાંત, ડ્રેગન પર 20 ટકા વધારાનો ટેરિઘફ ઝિંકાશે.

ટ્રમ્પ પ્રશાસને આરોપ મૂક્યો છે કે, ચીન સ્ટીલ, ઈલેકટ્રિક વાહનો (ઈવી) અને સોલાર ઉત્પાદનો સસ્તી કિંમતમાં વેંચીને વૈશ્વિક બજારને અસર કરી રહ્યું છે. ચીન અને ભારત ઉપરાંત બાંગલાદેશ, કમ્બોડિયા, યુરોપિય સંઘ, ઈંડોનેશીયા, જાપાન, દક્ષિણ કોરિયા, મલેશિયા, સિંગાપુર, તાઈવાન, વિયેતનામ, થાઈલેન્ડ, સ્વીટ્ઝરલેન્ડ જેવા દેશો પર ટેરિફ ઝિંકવાનું એલાન કરાયું છે.

ભારત સાથે કંબોડિયા, ઈંડોનેશિયા, દક્ષિણ કોરિયા, મલેશિયા, તાઈવાન અને થાઈલેન્ડ પર 25 ટકા ટેરિફ લગાવાશે. વિયેતનામને 35 ટકા અને ચીન પર 40 ટકા ટેરિફ જયારે દક્ષિણ કોરિયા, જાપાન, યૂરોપિય સંઘ, સ્વીટ્ઝરલેન્ડ માટે આ દરો 15 ટકા રહેશે. આ તમામ દેશ સરકારી મદદથી જરૂર કરતાં વધુ સામાન બતાવીને સસ્તા ભાવે વેચે છે, જેનાથી અમેરિકી કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે તેવો આરોપ ટ્રમ્પ પ્રસાશને મુક્યો છે.

અમેરિકાએ ચાલુ વર્ષે જ ફેબ્રુઆરીમાં ટેરિફ દર 50 ટકાથી ઘટાડીને 18 ટકા કરી નાખ્યો હતો. સાથોસાથ રશિયા પાસેથી તેલ આયાતના કારણે પેનલ્ટીના રૂપમાં લગાવેલો 25 ટકા ટેરિફ પણ પાછો ખેંચ્યો હતો.

અમેરિકા બીજા દેશોમાં બળજબરીપૂર્વક મજુરીથી તૈયાર થતી સામગ્રીઓ સામે કડક વલણ અપનાવે છે. અમેરિકી વેપાર પ્રતિનિધિ કાર્યાલયે જુલાઈમાં આ મામલાની તપાસ પૂર્ણ કરી લીધી હતી.

તપાસના દાયરામાં આવેલા અનેક દેશો ઉપર 10થી 12.5 ટકા સુધી વધારાનો ટેરિફ લાગુ કરી શકાય છે.

મતલબ કે, આવા દેશોમાંથી અમેરિકાને મોકલાતા સામાન પર પહેલાં કરતાં વધુ ટેરિફ લાગી શકે છે.

ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સમજુતી પર વાતચીત જારી છે. ભારત ઈચ્છે છે કે તેના સામાન પર બાંગલાદેશ, ઈન્ડોનેશિયા, વિયેતનામ, કંબોડિયા જેવા દેશો કરતાં ઓછો ટેરિફ લાગુ થાય.

ઇ-પેપરના નવા શુલ્ક