• મંગળવાર, 10 નવેમ્બર, 2026

મેંદરડાનાં દાત્રાણામાં વાડીમાં રમી રહેલા પરપ્રાંતીય બાળકને દીપડાએ ફાડી ખાધો

હાઇ વે પર બાઇક સાથે દીપડો અથડાતા દંપતી ઘાયલ 

જૂનાગઢ  : મેંદરડા તાલુકાનાં દાત્રાણા ગામે દિવાળીની સાંજે વાડીમાં રમી રહેલ પરપ્રાંતીય શ્રમિક પરિવારના એક છ વર્ષનાં બાળકને દીપડાએ ઉઠાવી થોડેક દૂર લઈ જઈ ફાડી ખાધો હતો. લોકોના શૌરબકોરથી દીપડો નાસવા જતા રસ્તા ઉપર પસાર થતા દંપતીના બાઇક સાથે અથડાતા આ દંપતીને ઇજા પહોંચી હતી.

દાત્રાણા ગામે જયેશ મોહન વઘાસિયાની વાડીમાં પેટીયું રળવા  આવેલ કલ્લુ ડોડવેનો પરિવાર કામ કરી રહ્યો હતો. છ વર્ષનો પુત્ર શિવરાજ ઝૂંપડા પાસે રમતો હતો ત્યારે સાંજના સમયે દીપડો ત્યાં ચડયો, આ બાળકને મોઢામાં ઉઠાવી 100 ફૂટ દૂર લઈ જઈ ત્યાં ફાડી ખાધો હતો. 

બાળકની બૂમાબૂમથી પરિવારજનો તથા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ટોર્ચ તથા મોબાઇલની લાઇટ સાથે શૌરબકોર કરતા દીપડો ત્યાંથી નાસી છૂટ્યો હતો. એકસો ફૂટ દૂર રસ્તાના ખાડામાંથી માસૂમ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ દીપડો સ્ટેટ હાઇ વે પર પસાર થઈ રહેલ આલીધ્રાના ચંદુભાઈ અને રમાબેનની બાઇક સાથે અથડાતા બન્ને ફેંકાઈ જતા રમાબેનને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી.

દાત્રાણા ગામે દિવાળીની સાંજે દીપડાએ પરપ્રાંતીય પરિવારનાં માસૂમ બાળકને ફાડી ખાતા ગામમાં અરેરાટી સાથે ભયનો માહોલ ફરી વળ્યો હતો.આ અંગે મેંદરડા વન વિભાગને જાણ કરતા આરએફઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ માનવભક્ષી દીપડાને પિંજરે પુરવા સ્ટેટ હાઇ વે ઉપર પિંજરા ગોઠવવામાં આવ્યા છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક