• મંગળવાર, 10 નવેમ્બર, 2026

સૌરાષ્ટ્રવાસીઓ આનંદો અમદાવાદમાં પ્રવેશતા હવે ટ્રાફિકમાંથી

મળશે મુક્તિ

અંદાજે રૂ.464 કરોડના ખર્ચે 4.03 કિલોમીટર લાંબા અને 26.8 મીટર પહોળા ઇસ્કોન-સાણંદ છ માર્ગીય એલિવેટેડ કોરિડોરનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનાં  હસ્તે કરાયું લોકાર્પણ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.9 :  રાજકોટ, ભાવનગર, પોરબંદરથી અમદાવાદમાં આવતા સૌરાષ્ટ્રભરના મુસાફરોને અગાઉ સરખેજ-ગાંધીનગર હાઇ વે પર ભારે ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડતો હતો. જો કે નવાં વર્ષના પ્રારંભથી હવે તેમની આ સમસ્યાનો સુખદ ઉકેલ આવી ગયો છે. કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે સોમવારે અમદાવાદમાં ઇસ્કોન જંક્શનથી સાણંદ ફ્લાયઓવર સુધીના નવનિર્મિત ઇસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા, અમદાવાદના મેયર હિતેશ બારોટ,  ધારાસભ્ય અમિત ઠાકર અને બાબુભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

નૂતન વર્ષના આરંભ પૂર્વે ખુલ્લો મુકાયેલો આ 6 માર્ગીય એલિવેટેડ કોરિડોર અમદાવાદના નાગરિકો અને વાહનચાલકો માટે એક ઉત્તમ ભેટ સાબિત થશે. કોરિડોર ખુલ્લો મુકાતા રોજ અહીંથી પસાર થતા 1.5થી 2 લાખ વાહનચાલકોને ટ્રાફિકમાંથી મોટી રાહત મળશે. સરખેજથી ગાંધીનગર વચ્ચેનું જોડાણ હવે સંપૂર્ણપણે અવરોધમુક્ત અને સલામત બનશે.

ઉલ્લેખનીય છે કે, સરખેજ ગાંધીનગર હાઇ વે (રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.147) પર કર્ણાવતી ક્લબ, પ્રહલાદનગર અને વાયએમસીએ જેવા અત્યંત વ્યસ્ત જંક્શનો પરથી પસાર થતો આ કોરિડોર ટ્રાફિક પ્રવાહને સુગમ બનાવશે. મુસાફરીનો સમય ઘટવાની સાથે વ્હીકલ ઓપરાટિંગ કોસ્ટમાં ઘટાડાથી લોકોને આર્થિક લાભ થશે. આ ઉપરાંત રોડ સેફ્ટીની અદ્યતન જોગવાઈઓના કારણે અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે અને હાઇ વે મુસાફરી વધુ સુરક્ષિત બનશે.

ભારત સરકારના માર્ગ, પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા અંદાજિત રૂ. 464 કરોડના ખર્ચે તૈયાર થયેલ 4.03 કિલોમીટર લાંબો અને 26.8 મીટર પહોળો આ 6-લેન એલિવેટેડ કોરિડોર મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. જેમાં વાયાડક્ટ પોર્શન 2940 મીટર અને એપ્રોચની લંબાઈ 1090 મીટર છે. ફ્લાયઓવર પરથી પસાર થતા વાહનોના અવાજથી થતા ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરવા 5880 મીટર લંબાઈમાં ખાસ નોઇઝ બેરિયર લગાવવામાં આવ્યા છે.

 

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક