• મંગળવાર, 10 નવેમ્બર, 2026

નવા વર્ષથી કેન્સરની 137 દવા સસ્તી

સરકારે નફાનું માર્જિન ઘટાડતાં દર્દીઓને વાર્ષિક 3,540 કરોડની બચત

નવી દિલ્હી, તા. 9 : નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈઝિંગ ઓથોરિટીએ કેન્સરની 137 ‘નોન શેડયુલ્ડ’ દવાઓ પર કંપનીઓના નફાના ગાળાને 30 ટકા ઘટાડયા બાદ સોમવારથી કેન્સરની 137 દવાઓ સસ્તી થઈ ગઈ છે.

ફાર્માસ્યુટિકલ કંપનીઓએ 121 દવાઓ હેઠળ આવતા 1,364 ફોર્મ્યુલેશન્સ માટે નવી કિંમતો જાહેર કરી છે. આ ઘટાડા સાથે જ દર્દીઓને વાર્ષિક 3,450 કરોડથી વધુની બચત થશે.

એક મીડિયા હેવાલ મુજબ, ડાયરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ હેઠળ રચાયેલી દેશભરના અગ્રણી ઓન્કોલોજિસ્ટ્સ (કેન્સર નિષ્ણાતો), તબીબી નિષ્ણાતો, હોસ્પિટલના વિશેષજ્ઞો અને સરકારી અધિકારીઓને સમાવતી એક નિષ્ણાત સમિતિ દ્વારા ભાવ ઘટાડવાની ભલામણ કરવામાં આવ્યા બાદ આ બ્રાન્ડેડ દવાઓમાંથી 679 દવાની કિંમતોમાં 50 ટકાથી વધુનો ઘટાડો કરાયો છે, જેમાં સૌથી વધુ ઘટાડો 96.45 ટકા સુધીનો છે. અંદાજ છે કે, કિંમતોમાં કરવામાં આવેલા આ ઘટાડાથી દર્દીઓને વાર્ષિક આશરે 3,540.38 કરોડની બચત થશે. સમિતિએ માર્જિનના તાર્કીકરણ માટે 137 દવાની ભલામણ કરી છે. આ યાદી સમયાંતરે અપડેટ કરવામાં આવશે.

ખરીદદારો દવાના પેકાજિંગ પર છાપેલા સુધારેલા ભાવો ચકાસી શકે છે અને ‘ફાર્મા સહી દામ’ મોબાઈલ એપ અથવા એનપીપીએની વેબસાઈટ દ્વારા નવા ભાવોની ખરાઈ કરી શકે છે.

કોઈપણ કેમિસ્ટ કે હોસ્પિટલ ફાર્મસીને નિર્ધારિત કિંમત કરતાં વધુ કિંમત વસૂલવાની પરવાનગી નથી. જો કોઈ વધુ કિંમત વસૂલે, અથવા કિંમતને લગતી અન્ય કોઈ ફરિયાદ હોય, તો ગ્રાહકો ‘ફાર્મા જન સમાધાન’ પોર્ટલ દ્વારા પોતાની ફરિયાદ નોંધાવી શકે છે અથવા એનપીપીએ હેલ્પલાઇન નંબર 1800-111-255 પર સંપર્ક કરી

શકે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક