સિક્યોરિટી ગાર્ડ ઉપર આતંકવાદીએ ધારદાર હથિયારથી કર્યો હુમલો ઃ સ્થળ ઉપરથી હુમલાખોરની ધરપકડ
અમ્માન,
તા. 5 ઃ જોર્ડનની રાજધાની અમ્માનમાં ગુરુવારે શ્રીલંકાના દૂતાવાસ
નજીક આતંકી હુમલો થયો હતો. એક હુમલાખોરે સુરક્ષા અધિકારી ઉપર ધારદાર હથિયારથી હુમલો
કરીને હત્યા કરી નાખી હતી. જોર્ડનના અધિકારીઓએ આ બનાવને આતંકી હુમલો ગણાવ્યો હતો. હુમલાખોરોની
ધરપકડ કરી લેવામાં આવી છે.
જોર્ડનના પબ્લિક સિક્યોરિટી
ડાયરેક્ટરેટે કહ્યું હતું કે, તેમના સુરક્ષા દળ ઉપર એક સભ્ય ઉપર ધારદાર હથિયારથી કરવામાં આવેલા
હુમલામાં મૃત્યુ થયું છે. વિભાગે આ બનાવને કાયરતાપૂર્ણ આતંકી હુમલો ગણાવ્યો છે. શરૂઆતી
તપાસમાં સામે આવ્યું છે કે હુમલાખોર જનરલ સિક્યોરિટી ડાયરેક્ટરેટના અધિકારીઓને નિશાન
બનાવીને આતંકી હુમલાની યોજના બનાવી રહ્યો હતો. જોર્ડનના સરકારી ટીવી ચેનલ અલ મમલકા
અનુસાર હુમલાખોરે સુરક્ષા અધિકારી પાસેથી હથિયાર છીનવી લેવાની કોશિશ કરી હતી. આ દરમિયાન
એક બીજો સુરક્ષા કર્મચારી વચ્ચે આવી ગયો હતો. ત્યારબાદ હુમલાખોર અને બીજો સુરક્ષા કર્મચારી
બન્ને ઘાયલ થયા હતા. હુમલાખોરને સ્થળ ઉપરથી જ ઝડપી લીધો હતો.
શ્રીલંકાના દૂતાવાસે
પણ પુષ્ટિ કરી હતી કે હુમલો પરિસરના આસપાસના વિસ્તારમાં થયો છે. જો કે દૂતાવાસ તરફથી
કોઈ વિસ્તૃત જાણકારી આપવામાં આવી નહોતી. જોર્ડન સરકારના પ્રવક્તા મોહમ્મદ અલ મોમાનીએ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર કહ્યું હતું કે, પ્રધાન મંત્રી સુરક્ષા એજન્સીઓ કાર્યવાહી ઉપર નજીકથી દેખરેખ
કરી રહી છે. ફરજ ઉપર તૈનાત સુરક્ષા કર્મચારીઓ ઉપર હુમલો કરવો રાજ્યની ગરિમા ઉપર હુમલો
છે.