• શુક્રવાર, 06 નવેમ્બર, 2026

ચૂંટણી પંચમાં નવા નિયમો લાગુ

બેઠકોના એજન્ડા-મિનિટ્સ જાહેર થશે; સરના ફોર્મમાં પણ ફેરફાર

નવી દિલ્હી, તા. 5 : ચૂંટણી પંચ ના કામકાજમાં પારદર્શિતા અને જવાબદારી વધારવા માટે અનેક મહત્ત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. હવે ચૂંટણી પંચની બેઠકોનો એજન્ડા અગાઉથી જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત, બેઠકમાં થયેલી ચર્ચા અને નિર્ણયોની વિગતો એટલે કે મિનિટ્સ પણ જાહેર કરાશે. અત્યાર સુધી આ પ્રક્રિયા અનુસરવામાં આવતી નહોતી.

નવા નિયમો હેઠળ ચૂંટણી પંચમાં કામ કરતા અધિકારીઓએ વિદેશ પ્રવાસે જતાં પહેલાં પંચની મંજૂરી લેવી પડશે. અગાઉ અધિકારીઓ માટે આવી પૂર્વમંજૂરીની જોગવાઈ નહોતી. આ ઉપરાંત, કોઈ પણ નવું આઈટી મોડ્યુલ સીધું ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવામાં નહીં આવે. 

પહેલાં તેને અધિકારીઓની કમિટી સમક્ષ મૂકવામાં આવશે. કમિટીની તપાસ અને મંજૂરી બાદ જ આ મોડ્યુલ પંચ સમક્ષ રજૂ કરી શકાશે. અગાઉ આ મુદ્દે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરો વચ્ચે વિવાદ થયો હતો.

ચૂંટણી પંચે મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયાના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે. 4 નવેમ્બરે જાહેર કરાયેલા અપડેટ મુજબ, SIRની પ્રક્રિયા ચાલી રહી છે તેવા 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નવા મતદારો માટેના ઓનલાઈન ફોર્મ-6માંથી વધારાનું ડિક્લેરેશન એટલે કે Annexure-D અલગ કરવામાં આવ્યું છે. 

હવે મતદાર નોંધણીના ઓનલાઈન ફોર્મમાં આ ડિક્લેરેશનનો વિકલ્પ નહીં હોય. તેના બદલે આ માટે અલગથી ડિક્લેરેશન ફોર્મ જાહેર કરવામાં આવ્યું છે. નવા મતદારોને નોંધણી દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરવામાં પડતી વધારાની મુશ્કેલી ઘટાડવા અને પ્રક્રિયા સરળ બનાવવાના હેતુથી આ ફેરફાર કરાયો છે.

ચૂંટણી પંચના આંતરિક કામકાજમાં આ ફેરફારો અંગે 26 સપ્ટેમ્બરે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ તથા વિવેક જોશીની હાજરીમાં યોજાયેલી આ બેઠકમાં કામકાજને વધુ પારદર્શક અને વ્યવસ્થિત બનાવવા સંબંધિત નિર્ણયો સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યા હતા. 

આ નિર્ણયો અંગેની સત્તાવાર માહિતી ચૂંટણી પંચ અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો ના દસ્તાવેજોમાં આપવામાં આવી છે. બેઠકોના એજન્ડા અને મિનિટ્સ જાહેર કરવાના નિર્ણયથી પંચની બેઠકોમાં કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ અને કયા નિર્ણયો લેવાયા તેની માહિતી ઉપલબ્ધ થશે. જ્યારે અધિકારીઓની વિદેશયાત્રા માટે પૂર્વમંજૂરી ફરજિયાત કરવાથી આંતરિક વહીવટી પ્રક્રિયામાં વધુ જવાબદારી સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરાયો છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક