• શુક્રવાર, 06 નવેમ્બર, 2026

અદાણી સીએનજીના ભાવમાં ફરી વધારો, કિલો દીઠ રૂ.100ને પાર

માત્ર 14 દિવસમાં બીજી વખત રૂ.2.30નો વધારો થતાં નવો ભાવ રૂ.100.77 થયો

અમદાવાદ, તા. 5: તહેવારોના માહોલ વચ્ચે અદાણી સીએનજી દ્વારા વાહનચાલકોને વધુ એક ભાવવધારાનો ઝટકો આપવામાં આવ્યો છે. કંપનીએ માત્ર 14 દિવસમાં બીજી વખત સીએનજીના ભાવમાં કિલોદીઠ રૂ.2.30નો વધારો કર્યો છે. આ વધારા સાથે સીએનજીનો નવો ભાવ રૂ. 100.77 પર પહોંચી ગયો છે, જે પ્રથમ વખત રૂ. 100ની સપાટી વટાવી ગયો છે.

નોંધનીય છે કે ગત 23 ઓક્ટોબરના રોજ પણ અદાણી સીએનજી દ્વારા કિલોદીઠ રૂ.4થી વધુનો વધારો કરવામાં આવ્યો હતો, જેના પગલે ભાવ રૂ. 98.47 થયો હતો. અગાઉ 1 ઓગસ્ટે પણ રૂ.4નો વધારો કરાયો હતો. આમ, છેલ્લા ત્રણ મહિનામાં વારંવાર થયેલા ભાવવધારાથી વાહનચાલકોનું બજેટ ખોરવાયું છે.

સીએનજીના ભાવમાં સતત વધારાની સીધી અસર રિક્ષા અને ટેક્સીચાલકો પર પડી રહી છે. ઇંધણનો ખર્ચ વધતાં રિક્ષા તથા ટેક્સીનાં ભાડાંમાં વધારો થવાની શક્યતા છે, જેના કારણે સામાન્ય મુસાફરોને પણ મોંઘવારીનો માર સહન કરવો પડશે. બીજી તરફ, રિક્ષાચાલકો લાંબા સમયથી સીએનજીમાં સરકારી સબસિડી આપવાની માંગ કરી રહ્યા છે. આ અંગે વાહનવ્યવહાર કમિશનર અને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆતો પણ કરવામાં આવી હતી. દિવાળી પહેલાં માગ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી આપવામાં આવી હતી. જોકે, કોઈ નિર્ણય આવે તે પહેલાં જ ફરી ભાવવધારો થતાં રિક્ષાચાલકોમાં ભારે રોષ ફેલાયો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક