જકાતમુક્ત આયાત ચાલુ રાખવામાં આવે તો કપાસના ભાવ તૂટશે, યાર્ડમાં આવક વધી ગઇ
(ફૂલછાબ ન્યૂઝ)
રાજકોટ,તા.30: કપાસની જકાત મુક્ત
આયાત ભારતમાં ચાલુ રહેવાની પ્રબળ શક્યતાને લીધે કિસાનોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. કિસાનોએ
ભયને લીધે ચાર પાંચ દિવસથી કપાસ મોટાંપાયે વેંચવાનું શરૂ કર્યું છે, માર્કેટ યાર્ડમાં
રોજ સવા બે લાખ મણ કરતા વધારે આવક થવા લાગી છે.
ભારતમાં પ્રવર્તમાન સમયે કપાસની
આયાત જકાત શૂન્ય છે અર્થાત કોઇપણ દેશમાંથી ડ્યૂટી વિના આયાત થઇ શકે છે. ઓક્ટોબરના અંત
સુધી આ મુક્તિ ચાલુ છે. મુક્તિ હવે ડિસેમ્બર સુધી ચાલુ રાખવાની શક્યતાએ જોર પકડ્યું
છે એટલે કિસાનો ગભરાયા છે.
આર્થિક રીતે નબળા અને પૈસાની
જરુરિયાતવાળો વર્ગ કપાસ વેંચવા નીકળી પડતા યાર્ડમાં સવા બે લાખ મણ કરતા વધારે આવક થાય
છે. જે ચાલુ મોસમનું ટોપ ગણાવાય છે.કપાસનો ભાવ પણ છેલ્લાં પંદરેક દિવસમાં મણે રૂ.
100 કરતા વધારે ઘટીને રૂ. 1680-1930 સુધી પહોંચી ગયો છે. હવે ક્યાંય રૂ. 2 હજારનો ભાવ
બોલાય રહ્યો નથી. કપાસના ઘટતા ભાવથી ખેડૂતો ખફા છે.
ખેડૂત આગેવાન કહે છે, ડ્યૂટીનો
ફફડાટ આવવાને લીધે ખેડૂતોએ થોડોઝાઝો કપાસ આગળ જતા તેજીનો લાભ લેવા સાચવી રાખ્યો હતો
તે બહાર આવવા લાગ્યો છે. હકીકતમાં ચાલુ વર્ષે કપાસના ઉત્પાદનમાં મોટું ગાબડું છે છતાં
હવે ડ્યૂટીનો ભય ફેલાયો છે. ગુજરાતમાં ગયા વર્ષે 65-6 લાખ ગાંસડી રૂનું ઉત્પાદન થયું
હતુ તેની સામે ઉત્પાદન 55-60 લાખ ગાંસડી થવાનો અંદાજ છે. આમ છતાં બજારમાં વેચવાલી વધી
ગઇ છે. નબળા પાકને લીધે અપૂરતો પુરવઠો છે અને તેના કારણે કપાસ મોંઘો છે એટલે આયાત કરવા
મે કેન્દ્ર સરકાર સમક્ષ ટેક્સટાઇલ અને યાર્ન લોબીએ ભરે દબાણ કર્યું છે. જોકે એનાથી
કિસાનોને નકારાત્મક અસર થઇ છે. બજારમાં ફરતા અહેવાલો પ્રમાણે સરકાર ઝીરો ટકા જકાત જાળવી
રાખીને ડિસેમ્બર સુધી આયાત મુક્તિ આપી શકે છે. જોકે તેમ ન કરે તો બજારમાં નવાજૂનીના
એંધાણ છે.