પકડાયેલા ત્રણેય આરોપીના આકાઓ સુધી પહોંચવાનો પોલીસનો પ્રયાસ
(અમારા પ્રતિનિધિ તરફથી )
અમદાવાદ, તા.29 : અમદાવાદમાંથી
ઝડપાયેલા રૂ. 25 કરોડના હેરોઇન અને એમ.ડી. ડ્રગ્સ કેસમાં ક્રાઈમ બ્રાન્ચ તપાસનો ધમધમાટ
આગળ વધાર્યો છે. ડ્રગ્સના આંતરરાજ્ય નેટવર્કના મૂળ સુધી પહોંચવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની
ટીમ રાજધાની દિલ્હીમાં ધામા નાખ્યા છે.
નાર્કોટિક્સ તથા અન્ય ગંભીર ગુનાઓમાં
સંડોવાયેલા દિલ્હી અને યુપીના આરોપીઓએ ફરીથી ડ્રગ સિન્ડિકેટ મજબૂત બનાવવાનો પ્રયાસ
કર્યો હતો. ગુજરાતમાં સ્થાનિક પેડલર્સ સુધી માલ પહોંચાડવા માટે આખી એક ચેઇન બનાવવામાં
આવી રહી હતી. ક્રાઇમ બ્રાન્ચ હવે એ તપાસ કરી રહી છે કે આ સિન્ડિકેટ સાથે ગુજરાતના સ્થાનિક
કયા લોકો સંપર્કમાં હતા. સમગ્ર નેટવર્કને તોડી પાડવા દિલ્હી પોલીસ સાથે પણ સંકલન સાધવામાં
આવ્યું છે. સૂત્રોના મતે તિફેલ તથા કફિલ સામે આર્થિક તવાઈ લાવવાની તૈયારી થઈ રહી છે.
ડ્રગ્સની કાળી કમાણીમાંથી તેમણે કેટલી બેનામી સંપત્તિ ઊભી કરી છે તેની વિગતો એકત્ર
કરવામાં આવી રહી છે. દેશભરમાં તેમના અને તેમના પરિવારજનોનાં નામે નોંધાયેલી સ્થાવર
અને જંગમ મિલકતો તથા રોકડની વિગતો મેળવવા એજન્સી કામ કરી રહી છે. સરકારી નિયમો મુજબ
આ મિલકતોને ટાંચમાં લેવાની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરાશે.