• શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026

રાજકોટની સોની બજારમાં 7.77 કરોડનું ફૂલેકું ફેરવી સંચાલક ફરાર

પાંચ કિલો સોનું અને રોકડ લઈને બુલિયન વેપારી ગાયબ : ચાર વેપારીઓની ફરિયાદ, ઠગાઈનો આંકડો રૂ.40 કરોડને વટાવ્યાની ચર્ચા

રાજકોટ, તા.29: દિવાળીના તહેવાર પૂર્વે રાજકોટની સોની બજારમાં કરોડોની ઠગાઈનો પર્દાફાશ થતાં વેપારી આલમમાં ફફડાટ ફેલાયો છે. ગઢની રાંગની શેરીમાં આવેલી મારૂતી જવેલર્સ પેઢીનો સંચાલક હસમુખ ઉર્ફે હસુ લોઢિયા પાંચ કિલો ફાઇન સોનું અને અન્ય વેપારીઓ પાસેથી સોનાની ખરીદીના નાણાં મેળવી ગાયબ થઈ ગયો હોવાની ફરિયાદ નોંધાઈ છે. એ.ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

ફરિયાદી જતીનભાઈ ઉર્ફે કાનાભાઈ રમેશભાઈ પાટડીયા (ઉ.વ.49), જેઓ જૂની ગધીવાડ શેરીમાં રમેશચંદ્ર એન્ડ સન્સ નામે સોનાની પેઢી ધરાવે છે, તેમણે હસમુખ લોઢિયા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, દોઢેક વર્ષથી વેપારી સંબંધો ધરાવતા હસમુખે વિશ્વાસ કેળવી તા.26ના રોજ પોતાના માણસો મારફતે ચાર કિલો અને પાર્થ ગોલ્ડના હિરેનભાઈ પાટડીયા મારફતે એક કિલો ફાઇન સોનું મેળવ્યું હતું. કુલ પાંચ કિલો સોનાની કિંમત આશરે રૂ.7.25 કરોડ થાય છે. 24 કલાકમાં સોનું પરત આપવાનું હોવા છતાં આરોપીએ ફોન બંધ કરી દીધો હતો.ત્રણ વેપારીઓ સાથે ઠગાઈ

ફરિયાદમાં અન્ય વેપારીઓ પાસેથી પણ નાણાં મેળવી સોનું ન આપ્યાનું સામે આવ્યું છે. ઓમ ગોલ્ડના નીલેશભાઈ માંડલીયાએ 200 ગ્રામ સોનાના રૂ.29.05 લાખ, મનોજકુમાર મથુરાદાસ એન્ડ સન્સના મનોજભાઈ ધોળકિયાએ 100 ગ્રામ સોનાના રૂ.14.55 લાખ અને માધવ ઓર્નામેન્ટ્સના હિતેશભાઈ માંડલીયાએ 60 ગ્રામ સોનાના રૂ.8.73 લાખ ચૂકવ્યા હોવા છતાં સોનું મળ્યું ન હોવાની વિગતો સામે આવી છે.

ચાર વેપારીઓની ફરિયાદો મુજબ કુલ ઠગાઈ રૂ.7.77 કરોડથી વધુની છે. જોકે, સોની બજારમાં દસથી વધુ વેપારીઓ પાસેથી સોનું અને રોકડ મળી રૂ.40 કરોડથી વધુની ઠગાઈ થઈ હોવાની ચર્ચા છે. આ આંકડાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પોલીસે આરોપીની શોધખોળ અને સમગ્ર પ્રકરણની તપાસ હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક