હાઇ કોર્ટે 2 ફેબ્રુઆરી, 2027 સુધી અંતરિમ રાહત લંબાવી, ચાર્જ ફ્રેમ કરવાની કાર્યવાહી પર અસર
મોરબી, તા.29 : મોરબીના ઝૂલતા
પુલ દુર્ઘટના કેસમાં ઓરેવા ગ્રુપના મેનાજિંગ ડિરેક્ટર જયસુખભાઈ પટેલને અગાઉ આપવામાં
આવેલી અંતરિમ રાહત ગુજરાત હાઇ કોર્ટે યથાવત્ રાખી છે. તાજેતરમાં કેસની થયેલી સુનાવણી
દરમિયાન ન્યાયમૂર્તિ એમ. કે. ઠક્કરે ઓરલ ઓર્ડર આપીને આગામી સુનાવણી માટે 2 ફેબ્રુઆરી,
2027ની તારીખ નક્કી કરી છે. ત્યાં સુધી જયસુખ પટેલને મળેલી અંતરિમ રાહત ચાલુ રહેશે.
ઉલ્લેખનીય છે કે, 30 ઓક્ટોબર,
2022ના રોજ મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડતાં 135 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા
હતા. આ દુર્ઘટનાએ સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં શોકની લાગણી ફેલાવી હતી. આ કેસમાં ટિકિટબારી
ઓપરેટર, સિક્યુરિટી ગાર્ડ, ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ તથા મેનેજર સહિત કુલ 10 આરોપીઓની
ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં આરોપીઓ જામીન પર મુક્ત થયા હતા. જયસુખ પટેલે હાઇ કોર્ટમાં
કરેલી અરજીના અનુસંધાને તેમને અંતરિમ રાહત આપવામાં આવી હતી. હવે આગામી સુનાવણી સુધી
આ રાહત યથાવત્ રહેતા કેસની આગળની કાર્યવાહી પર અસર થવાની શક્યતા છે. પ્રાપ્ત માહિતી
મુજબ, અંતરિમ રાહત ચાલુ રહે ત્યાં સુધી મોરબી કોર્ટમાં આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ કરવાની
કાર્યવાહી થઈ શકશે નહીં, જેનાં કારણે કેસની ટ્રાયલ આગળ વધવામાં વિલંબ થઈ શકે છે.