• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

મગફળીમાં નબળા ઉત્પાદનના અંદાજ વચ્ચે યાર્ડ છલકાયાં

ડિસા, ગોંડલ, હિંમતનગર, પાલનપુર, પાથાવાડા અને રાજકોટમાં ધૂમ આવક

રાજકોટ,તા. 5ઃ (ફૂલછાબ ન્યૂઝ) નવી મગફળીના ઓછાં ઉત્પાદનની બૂમ વચ્ચે ખેડૂતોની ચિક્કાર વેચવાલી નીકળી છે. ગુજરાતભરમાં ચાલુ મોસમની રેકોર્ડબ્રેક અઢી લાખ ગુણીની આવક થતાં કેટલાક યાર્ડમાં મગફળી જ દેખાતી હતી. અલબત્ત કોઇપણ યાર્ડમાં હજુ મગફળીની આવક બંધ કરવી પડે તેવા સંજોગ સર્જાયા નથી. ખેડૂતોને આરંભે ટેકા કરતા ખાસ્સો ઉંચો ભાવ મળતો હોવાથી ફટાફટ વેચાણ થઇ રહ્યું છે. અલબત્ત ઉત્તર ગુજરાતમાં વેચાણ વધારે છે, સૌરાષ્ટ્રના ખેડૂતો ધીરે ધીરે વેંચી રહ્યા છે.

ગુજરાતભરમાં શનિવારે 2.20 લાખ ગુણીની આવક થયા પછી સોમવારે રજા બાદ 2.50 લાખ ગુણીની ચિક્કાર આવક થઇ હતી. ઉત્તર ગુજરાતમાં ડિસા ખાતે 62 હજાર ગુણી, હિંમતનગરમાં 22 હજાર ગુણી, પાલનપુર અને ઇડરમાં 15-15 હજાર ગુણી તથા પાથાવાડામાં 20 હજાર ગુણી આવક થઇ હતી. ત્યાં સરેરાશ રૂ. 1250-1730 સુધી ભાવ મળે છે. ત્યાંના એક કિસાન કહે છે, ટેકાનો ભાવ સરકારે રૂ. 1503 નક્કી કરેલો છે. તેની સામે યાર્ડમાં ઉંચો ભાવ મળે છે એટલે કિસાનો રાખવાને બદલે વેંચી રહ્યા છે. 

સૌરાષ્ટ્રમાં હળવદમાં આગોતરી અને ઝડપથી પાકતી જાતની આવક વધારે થતાં 16 હજાર ગુણી આવી હતી. રાજકોટમાં 13 હજાર ગુણી અને ગોંડલમાં 43 હજાર ગુણી આવક હતી. ગોંડલમાં રૂ. 850-2041ના ભાવ હતા. ગોંડલમાં 66 નંબરની મગફળી આવતા તેના ભાવ ઉંચા હતા. 

સીંગદાણાના બ્રોકર નીરજ અઢીયા કહે છે, મગફળીના ઉત્પાદનનો અંદાજ 28થી 30 લાખ ટનનો ધારવામાં આવ્યો છે. છતાં કોઇ વિસ્તારમાં ઉતારા સુધરે તો ઉત્પાદનમાં થોડો સુધારો આવી શકે છે. દિવાળી સુધી તો આવકનો સમય છે એટલે ભાવ દબાણ હેઠળ રહેશે પણ એ પછી બજાર સ્થિર થશે. લાંબાગાળે માગ અને પુરવઠાના આધારે બજાર ચાલશે.

પ્રવર્તમાન સમયે માર્કેટ યાર્ડમાં ઝીણી અને ઝડપી પાકતી જાતની આવક થઇ રહી છે. હજુ ઓક્ટોબર અંત સુધી આવક રહેશે. જોકે એ પછી કાબૂમાં આવે તેમ છે. એ દરમિયાન જાડી વેરાઇટીની મગફળી બજારમાં આવશે. સરકારે લઘુત્તમ ટેકાના ભાવથી ખરીદી માટે નોંધણી શરૂ કરી છે, જે હવે 24 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે પરંતુ સરકારને ખાસ જથ્થો મળે તેવી શક્યતા દેખાતી નથી.

ઇ-પેપરના નવા શુલ્ક