• શુક્રવાર, 02 ઑક્ટોબર, 2026

દુષ્કાળના ડાકલાં વચ્ચે મગફળી- કપાસની આવકથી છલકાતા યાર્ડ

નવી મગફળી અને કપાસ બન્નેની આવક દોઢ લાખ ગુણી સુધી પહોંચી ઃ ભાવમાં ઘટાડો

રાજકોટ,તા.30 ઃ (ફૂલછાબ ન્યૂઝ) ગુજરાતના અનેક તાલુકાઓમાં દુષ્કાળના ડાકલાં વાગી રહ્યા છે અને ખેત ઉત્પાદનમાં મોટું ગાબડું પડવાની ચર્ચા વચ્ચે મગફળી-કપાસ જેવા ખરીફ પાકની ચિક્કાર આવક શરૂ થઇ છે. ઓછાં વરસાદને લીધે ખેડૂતો આર્થિક ખેંચમાં આવી ગયા છે. નવો પાક તૈયાર થતાવેંત વેંચવા આવવા લાગ્યા છે.

કપાસની આવક સોમવારે દોઢ લાખ મણના ટોપ પર પહોંચી હતી. જોકે બુધવારે 1.40 લાખ મણ થઇ હતી. મગફળી પણ સમગ્ર ગુજરાતમાં 1.40 લાખ ગુણી સુધી થવા માંડી છે. સૌરાષ્ટ્રમાં ગોંડલ અને ઉત્તર ગુજરાતમાં ડિસા-હિંમતનગર આવકમાં સૌથી ઉપર છે. અલબત્ત નવી આવક વધવાને લીધે બન્ને જણસીના ભાવ પર દબાણ આવ્યું છે.

કપાસના ભાવ પંદર દિવસ પૂર્વે રૂ. 2020 સુધી ઉંચામાં મળતા હતા પણ એમાં રૂ.100નો ઘટાડો થઇ ચૂક્યો છે. કપાસ સૌરાષ્ટ્રના યાર્ડમાં રૂ. 1450-1920 સુધી વેચાય છે. બોટાદમાં રૂ. 1400-1900ના ભાવ સામે સૌથી વધારે 45 હજાર મણ આવક થઇ હતી. હળવદમાં 10, સાવરકુંડલામાં 14, બાબરામાં 10, અમરેલીમાં 12 અને વાંકાનેર તથા રાજકોટમાં 8-8 હજાર મણ આવક હતી. 

ખેડૂતો કહે છે, પહેલા વરસાદના અભાવે પાકમાં નુક્સાની હતી. બાદમાં તૈયાર ફાલ પર વરસાદ પડવાથી ભારે માઠી સ્થિતિ થઇ છે. એ કારણે કપાસના ઉત્પાદનમાં મોટી ઘટ આવવાની શક્યતા છે. બીજી તરફ છેલ્લાં વરસાદથી પાણીની સગવડ થતા પાછોતરા કપાસને લાભ પણ થયો છે. આમ ત્રીજી વિણીમાં કેટલો ઉતારો આવશે તે મોટો પ્રશ્ન બન્યો છે. જોકે દેશમાં ગયા વર્ષ જેટલા જ ઉત્પાદનની આગાહીઓ થઇ રહી છે.

બીજી તરફ મગફળીમાં ગુજરાતના ઉત્પાદનમાં 33 ટકા કાપનો અંદાજ આવ્યો છે. ગુજરાતમાં 28થી 30 લાખ ટનના ઉત્પાદનની ધારણા વ્યક્ત થઇ છે. જોકે વેપારી અંદાજ ફક્ત 25 લાખ ટન આસપાસ આવી રહ્યો છે. જોકે ખેડૂતો નાણાકિય જરુરિયાત પૂરી કરવા માર્કેટ યાર્ડમાં ધૂમ વેચવાલી કરી રહ્યા છે. મગફળીના ભાવ પણ ઉંચા મથાળેથી રૂ. 100 જેવા ઘટ્યા છે.

સમગ્ર ગુજરાતમાં ચાલુ મોસમમાં પ્રથમ વખત 1.40 લાખ ગુણીની આવક થઇ હતી. મગફળીનો ભાવ સરેરાશ રૂ.1500-1911 સુધીનો રહ્યો હતો. ગોંડલ માર્કેટ યાર્ડમાં 32 હજાર ગુણીની આવક થઇ હતી. એ સિવાય હિંમતનગરમાં 17 હજાર ગુણી, ઇડરમાં 11 હજાર ગુણી અને ડિસામાં 26 હજાર ગુણી જેટલી આવક થઇ હતી. રાજકોટ અને હળવદમાં 12-12 હજાર ગુણીની આવક થઇ હતી. સૌરાષ્ટ્રના ખેડૂતો મગફળીના ભાવમાં તેજીમાં છે ત્યારે થોડાં જ દિવસોમાં આવક સૂકાવા લાગશે તેમ માનવામાં આવે છે.

ઇ-પેપરના નવા શુલ્ક