• શુક્રવાર, 02 ઑક્ટોબર, 2026

ફટાકડા ઉપર પૂર્ણ પ્રતિબંધથી લાગણી દૂભાશે

દિવાળીમાં ફટાકડા ઉપર પૂર્ણ પ્રતિબંધ કે પૂરી છૂટ નહીં અપાય : વચ્ચેનો રસ્તો કાઢશે સુપ્રીમ કોર્ટ

 

નવી દિલ્હી, તા.30: દર વર્ષની જેમ આ વખતે પણ દિવાળીનો પર્વ નજીક આવતાં પ્રદૂષણનો મુદ્દો ચર્ચામાં આવી ગયો છે. આ વર્ષે 8 નવેમ્બરે દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવાની મંજૂરી મળશે કે પછી કોઈ પ્રકારનો પ્રતિબંધ મૂકવામાં આવશે એ સવાલ ફરી એકવાર ઉઠી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે આજે આ મુદ્દે મહત્ત્વપૂર્ણ વાત કરતાં કહ્યું હતું કે, જો ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવે, તો લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે. આવી સ્થિતિમાં કોર્ટ ફટાકડા ફોડવા પર ન તો સંપૂર્ણ પ્રતિબંધ મૂકશે અને ન તો 24 કલાક ફટાકડા ફોડવાની મંજૂરી આપશે.

જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને પી.બી. વરાળેની બેન્ચે કહ્યું હતું કે, ફટાકડાના ઉપયોગ માટે ચોક્કસ સમય નક્કી કરીને વચ્ચેનો રસ્તો કાઢવાની જરૂર છે. અદાલત આ બાબત સંપૂર્ણપણે સ્પષ્ટ કરવા માગે છે. કોર્ટ સંપૂર્ણ પ્રતિબંધ પણ નહીં મૂકે અને 24 કલાક ફટાકડા ફોડવાની મંજૂરી પણ અપાશે નહીં. સંપૂર્ણ પ્રતિબંધથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચશે. જો આખો દિવસ ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવે, તો વૃદ્ધો, બીમાર લોકો અને બાળકો સહિત દરેક જીવ પર તેની મોટી અસર પડશે. કોર્ટે વધુમાં કહ્યું હતું કે, અમારે એવો ઉકેલ શોધવો પડશે, જેના દ્વારા ફટાકડા ફોડવા માટે ચોક્કસ સમય નક્કી કરી શકાય. સુનાવણી દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ એક નોંધ રજૂ કરી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે સીએસઆઈઆર-એનઈઈઆરઆઈની સલાહ મુજબ નેક્સ્ટ જનરેશન જોઈન્ટ ગ્રીન ક્રેકર્સ માટે મર્યાદિત અને શરતી છૂટ અંગે વિચારણા કરી શકાય છે. આ ફટાકડાઓએ લાગુ પડતી અવાજ, ઉત્સર્જન અને સલામતી સંબંધિત જરૂરીયાતોનું પાલન કરવું પડશે અને કેટલીક નિર્ધારિત શરતો પૂરી કરવી પડશે. નોંધમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે, આ ખાસ પ્રકારના ફટાકડાઓને મંજૂરી આપી શકાય છે, જો તેઓ માત્ર યોગ્ય લાઇસન્સ ધરાવતા ઉત્પાદકો દ્વારા જ બનાવવામાં આવે, 125 ડીબી(એઆઈ)/145 ડીબી(સી)ની નિર્ધારિત મહત્તમ અવાજ મર્યાદાનું પાલન કરે અને તેમાં પ્રતિબંધિત રસાયણોનો ઉપયોગ ન કરવામાં આવ્યો હોય. આ પછી સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, તે 15 ઓક્ટોબરે ફટાકડાઓમાં બેરિયમના ઉપયોગ સાથે જોડાયેલા મુદ્દા પર વિચાર કરશે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં દિવાળીની આસપાસ શિયાળાની શરૂઆતના દિવસોમાં પ્રદૂષણનું સ્તર વધતું જોવા મળ્યું છે. ગયા વર્ષે કોર્ટે દિલ્હી-એનસીઆરમાં ગ્રીન ફટાકડાના વેચાણ અને ઉપયોગને કેટલીક શરતો સાથે મંજૂરી આપી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ગ્રીન ફટાકડાનો ઉપયોગ દિવાળીના એક દિવસ પહેલાં અને દિવાળીના દિવસે જ નિર્ધારિત સમયગાળા દરમિયાન કરી શકાશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક