• શુક્રવાર, 02 ઑક્ટોબર, 2026

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર રાજસ્થાન જતી બસનો અકસ્માત, 5ના મૃત્યુ

સુરતથી નાથદ્વારા જઈ રહેલી સાઈદર્શન ટ્રાવેલ્સની લક્ઝરી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા. 30ઃ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે વધુ એક વખત રક્તરંજીત બન્યો છે. રાજસ્થાન તરફ જઈ રહેલી એક લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે આશરે સવારે ચાર વાગ્યે ગોઝારો અકસ્માત થયો હતો. જેમાં બસમાં રહેલા પાંચ મુસાફરના મૃત્યુ થયા હતા. આ અકસ્માત સર્જાયો ત્યારે બસમાં મોટાભાગના પેસેન્જરો ભર ઊંઘમાં હતા.

પ્રાપ્ત માહિતી મુજબ સુરતથી રાજસ્થાનના નાથદ્વારા તરફ જઈ રહેલી લક્ઝરી બસને અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર આણંદના બોરિયાવી નજીક વહેલી સવારે અકસ્માત નડÎો હતો. સાઈદર્શન ટ્રાવેલ્સની બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 5 લોકોના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યા હતા જ્યારે તેટલા જ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું જણાયું છે. હાઈવે પર અકસ્માત સર્જાતા બસમાં ઊંઘી રહેલા મુસાફરો જાગી ગયા હતા અને બૂમાબૂમ કરવા લાગ્યા હતા. થોડીવાર માટે એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. આસપાસના લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડÎા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે લક્ઝરી બસના ડ્રાઈવરની સામેની બાજુંના ભાગનો આગળથી પાછળ સુધી બુકડો બોલી ગયો હતો. 

પોલીસે સ્થાનિક લોકોની મદદથી બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં રાજસ્થાનના બિકાનેરના દુલસાચરના મુરલી મનોહરાસિંહ જગદીશાસિંહ, ગામ માવલી થામલાના નિખિલ તુલસીરામ સુથાર, ગામ પીપલી આચેનના કૈલાસચંદ્ર કુમાવત, આબીદહુસૈન અબ્દુલ વાહીદ અંસારી (રહે. થાણા, જિ. સારન, બિહાર) અને સાબરકાંઠાના ઝાલોદના જીતેન્દ્રાસિંહ નટવરાસિંહ ઝાલાનું મૃત્યુ નીપજ્યું હતું. છ લોકોને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જેમાં એક મૃત હાલતમાં હોવાનું જણાયું હતું. પાંચ પૈકી બેની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ અકસ્માત અંગે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક