દેશવ્યાપી
સાયબર નેટવર્કનો પર્દાફાશ, મુખ્ય આરોપી ઓરંગાબાદથી ઝડપાયો
અમરેલી,
તા.23: અમરેલી સાયબર પોલીસે ‘એસડી પે’ અને ‘અપના પે’ એપ્લિકેશન આધારિત કરોડો રૂપિયાના
સાયબર ફ્રોડ કૌભાંડમાં મોટી સફળતા મેળવી છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, બિહાર,
કર્ણાટક અને હરિયાણા જેવા રાજ્યોમાં ફેલાયેલા આ નેટવર્ક અંગે એસઆઇટી દ્વારા ચોંકાવનારા
ખુલાસા કરવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં અત્યાર સુધીમાં આશરે 15 લાખ યુઝર્સના ડેટાનું
એનાલિસિસ કરવામાં આવ્યું છે, જેમાંથી 6.53 લાખ યુઝર્સનો સચોટ ડેટા પોલીસના હાથે લાગ્યો
છે. આ કૌભાંડમાં સૌથી વધુ 1.52 લાખ યુઝર્સ માત્ર ગુજરાતમાંથી જ મળી આવ્યા છે.
આ મોટા
સાયબર રેકેટની તપાસ દરમિયાન આ એપ્લિકેશનો સાથે સંકળાયેલા ખાતાઓમાં કુલ રૂ. 1211 કરોડ
જેટલું શંકાસ્પદ બેલેન્સ જમા હોવાનું સામે આવ્યું હતું, જેને પોલીસે તાત્કાલિક ધોરણે
ફ્રીઝ કરાવી દીધું છે. સમગ્ર પ્રકરણની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન
ટીમના વડા ડીવાયએસપી જયવીર ગઢવી દ્વારા મીડિયાને સત્તાવાર વિગતો આપવામાં આવી હતી. અમરેલી
સાયબર પોલીસની ટીમે આ સમગ્ર છેતરાપિંડી કેસમાં અત્યાર સુધીમાં કુલ 9 આરોપીની ધરપકડ
કરીને તેમની સઘન પૂછપરછ શરૂ કરી છે. પોલીસ દ્વારા બાકીના યુઝર્સનો ડેટા મેળવવાની અને
આંતરરાજ્ય નેટવર્કના મૂળ સુધી પહોંચવાની આગળની કાનૂની કાર્યવાહી સઘન રીતે ચાલુ છે.
મુખ્ય
આરોપી
ઓરંગાબાદથી
ઝડપાયો
અમરેલી
સહિત દેશભરમાં ચકચાર જગાવનાર રૂ. 635 કરોડના ચકચારી એસ.ડી પે સાયબર કૌભાંડમાં પોલીસને
મોટી સફળતા મળી છે. અમરેલી અને વડોદરા પોલીસની સંયુક્ત કામગીરી દરમિયાન આ કૌભાંડનો
સૂત્રધાર ગણાતા નારાયણ અશોક કાંગને મહારાષ્ટ્રના ઓરંગાબાદથી ઝડપી પાડવામાં આવ્યો છે.પોલીસ
તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી નારાયણ કાંગ ઓરંગાબાદથી જ આ એપનું સંચાલન કરતો હતો
અને તેનો તમામ ડેટા પોતાની પાસે રાખતો હતો. એટલું જ નહીં, આ એપ્લિકેશન મારફતે થતા ગેરકાયદે
વ્યવહારોની કરોડો રૂપિયાની રકમ સીધી તેના જ ખાતામાં જમા થતી હોવાનું પણ સામે આવ્યું
છે.
નાણાકીય
કૌભાંડના તાર પોરબંદર સુધી પહોંચ્યા
પોરબંદર,તા.23
: અમરેલી સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કરેલા એસડી એસડી પે અને અપના પે એપ આધારિત મોટા
નાણાકીય કૌભાંડના તાર પોરબંદર સુધી પહોંચ્યા છે. ટૂંકા સમયમાં ઊંચું વળતર અને દૈનિક
કેશબેકની લાલચ આપી રોકાણ કરાવવામાં આવ્યું હોવાના આ કેસમાં પોરબંદરના અનેક લોકોના નાણાં
ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. જોકે આશ્ચર્યજનક રીતે પોરબંદર જિલ્લામાં હજુ સુધી આ
મામલે એકપણ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
અમરેલી
પોલીસની તપાસમાં આ નેટવર્કમાં દેશભરના આશરે 1.5થી 1.75 લાખ લોકો જોડાયા હોવાનું સામે
આવ્યું છે. એપના 10 લાખથી વધુ ડાઉનલોડ પણ નોંધાયા હતા. શરૂઆતમાં રૂ.1,000થી રૂ.25,000
સુધીના રોકાણ પર દૈનિક 0.15 ટકા, રૂ.25,000થી રૂ.1 લાખ સુધી 0.20 ટકા, રૂ.1થી 5 લાખ
સુધી 0.25 ટકા અને રૂ.5 લાખથી વધુ રોકાણ પર 0.30 ટકા વળતરની લાલચ આપવામાં આવતી હતી.
સાથે 15 સ્તર સુધી રેફરલ બોનસ, બિલ પેમેન્ટ અને મોબાઇલ રિચાર્જ જેવી સુવિધાઓથી વિશ્વાસ
ઊભો કરાયો હતો.
પોરબંદરમાં
શિક્ષકો-શિક્ષિકાઓ, શિક્ષક યુગલો, ગૃહિણીઓ, વિદ્યાર્થીઓ અને સુશિક્ષિત યુવતીઓ સહિત
અનેક લોકોએ રોકાણ કર્યું હોવાની ચર્ચા છે. કેટલાકે દાગીના વેચીને તો કેટલાકે ઉછીના
કે વ્યાજે નાણાં મેળવી રોકાણ કર્યાની માહિતી સામે આવી રહી છે. વોટ્સએપ ગ્રૂપ અને ઝૂમ
માટિંગ મારફતે લોકોને જોડવામાં આવતા અને કમાણીની ‘સક્સેસ સ્ટોરી’ બતાવી વધુ રોકાણ માટે
પ્રોત્સાહિત કરાતા હોવાની પણ ચર્ચા છે. કૌભાંડ બહાર આવ્યા બાદ કેટલાક વોટ્સએપ ગ્રૂપ
ડિલીટ થવા લાગ્યા હોવાની અને અગાઉ ‘તમારો એક રૂપિયો પણ નહીં જાય’ જેવા દાવા કરનારા
સંચાલકો હવે કોર્ટ કેસનું કારણ બતાવી જવાબદારીમાંથી દૂર થવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની
પણ ચર્ચા છે.
પોરબંદર
પોલીસનું કહેવું છે કે, ભલે રકમ નાની હોય તો પણ રોકાણકારોએ ડર્યા વિના ફરિયાદ નોંધાવવી
જોઈએ. રોકાણકારોએ એપના ક્રીનશોટ, પેમેન્ટની વિગતો અને બેન્ક સ્ટેટમેન્ટ સાથે સાયબર
ક્રાઇમ પોલીસ સ્ટેશન અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ. ફરિયાદો નોંધાશે
તો નાણાંની લેવડદેવડની કડી શોધવામાં તપાસ એજન્સીને મદદ મળશે