અમેરિકન
નાગરિકોને બેંકના વકીલ બની લોન સેટલમેન્ટના નામે છેતરતા હોવાનો આરોપ; 200થી વધુ લોકોને
નિશાન બનાવ્યાનું ખુલ્યું
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.23: અમદાવાદમાં નરોડા ખાતે આવેલા હંસપુરા વિસ્તારમાં ચાલતા એક બોગસ કોલ સેન્ટરનો
પર્દાફાશ થયો છે. અમેરિકાના નાગરિકોના બેંક એકાઉન્ટનો ડેટા મેળવી બેંકના વકીલ હોવાની
ખોટી ઓળખ આપી લોન સેટલમેન્ટના નામે છેતરાપિંડી આચરતી ટોળકી નરોડા પોલીસને હાથ લાગી
છે. આ ટોળકીમાં બે યુવતી સહિત 7 શખસની ધરપકડ કરવામાં આવી છે. આ ઠગ ટોળકી સંખ્યાબંધ
અમેરિકન નાગરિકોને પોતાની જાળમાં ફસાવી ચૂકી છે અને આશરે રૂ. 38 લાખનો ચૂનો લગાવ્યો
હોવાનું જણાયું છે.
પ્રાપ્ત
માહિતી મુજબ નરોડા હંસપુરા રાજચંદ્ર સર્કલ પાસે સાહિત્ય આર્કેડના પ્રથમ માળે નરોડા
પોલીસે દરોડો પાડી બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. રેડ દરમિયાન જીગ્નેશ ઝાલાહર, દેવાંગ સપકાલ, સુશીલ તોમર, દેવ
વૈષ્ણવ, ઇમ્તીહેન ચાર્મયાર્ડ, પ્રીતિ પટેલ અને વૈશાલી વેધાની મળી આવતા તમામની સામે
ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. જીજ્ઞેશ ઝાલાહર અગાઉ કોલ સેન્ટરમાં કામ કરી ચૂક્યો
છે અને તે અન્ય લોકોને 10-10 હજારના પગાર પર નોકરી રાખી છેલ્લાં છ માસથી આ કોલ સેન્ટર
ચલાવતો હતો. આરોપીઓ પાસે અમેરિકન નાગરિકોના ડેટા ઉપલબ્ધ હતા અને તેના આધારે ઈમેલ મારફતે
લોન સેટલમેન્ટના મેસેજ મોકલવામાં આવતા હતા. આરોપીઓ અમેરિકન નાગરિકો સામે જાણીતી બેંકના
વકીલ તરીકે ખોટી ઓળખ આપતા અને લોન સેટલમેન્ટ કરાવી આપવાના બહાને નાણાં મેળવતા હોવાનો
આરોપ છે.
પોલીસના
જણાવ્યા મુજબ, આ કથિત કોલ સેન્ટર દ્વારા અત્યાર સુધીમાં 200થી વધુ અમેરિકન નાગરિકોને
નિશાન બનાવવામાં આવ્યા હતા. વકીલ તરીકે યુએસ નાગરિકોને ઈમેઇલ પર લોન સેટલમેંટનો મેસેજ
કરાતો હતો અને જો કોઈ જવાબ આપે તો તેને સસ્તામાં લોન સેટલમેન્ટ કરવા માટે લલચાવી તેના
ક્રેડિટ કાર્ડની વિગતો મેળવવામાં આવતી હતી. ત્યારબાદ ટેલીગ્રામ તથા વોટ્સએપ એપ્લિકેશનથી
અલગ અલગ વેન્ડરને મોકલીને નક્કી કરાયેલી રકમ અમેરિકન નાગરિકના બેંક ખાતામાંથી કાપી
લઈ ઠગાઈ આચરવામાં આવતી હતી. આ નાણાં બિટકોઈનમાં મેળવી ટેલિગ્રામ ગ્રુપ્સનો સંપર્ક કરી
ભારતીય ચલણમાં રૂપાંતરીત કરીને આંગડિયા દ્વારા હવાલાથી નાણાંની લેવડ દેવડ થતી હતી.
નરોડા પોલીસે બે યુવતીઓ સહિત સાત આરોપીઓને ઝડપીને તેમની પાસેથી 7 લેપટોપ, 8 મોબાઈલ
ફોન, એક કી-બોર્ડ અને માઉસ તથા એક સીપીયુ તથા ડેસ્કટોપ અને બે રાઉટર સહિત રૂ. 2,60,500નો
મુદ્દામાલ જપ્ત કરાયો હતો.