• ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2026

રાતિધાર ગિરમાં કાકાએ ભત્રીજાને કુહાડીના ઘા ઝીંકી પતાવી દીધો

ભત્રીજાનું ઢીમ ઢાળી દઈ મૃતકના પરિવારને પણ જાનથી મારી નાખવા ધમકી આપી

તાલાલા,તા.23:તાલાલા તાલુકાના રાતિધાર ગિર ગામેથી એક અત્યંત હચમચાવનારી ઘટના સામે આવી છે, જ્યાં જૂની અદાવત અને માથાકૂટનો ખાર રાખીને સગા કાકાએ પોતાના જ ભત્રીજા પર કુહાડીથી હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ સમગ્ર ઘટનાથી તાલાલા પંથકમાં ભારે ચકચાર અને સનસનાટી મચી ગઈ છે.

આ દર્દનાક બનાવ અંગે પોલીસ દફતરે નોંધાયેલી વિગતો મુજબ, રાતિધાર ગીર ગામે મહાકાળી મંદિર પાછળ રહેતા ધિરૂભાઈ મકનભાઈ સોલંકી (ઉં.વ. 72) નામના વૃદ્ધના બે પુત્રો દીપકભાઈ તથા મુન્નાભાઈને થોડા મહિનાઓ અગાઉ મૃતક પ્રવિણભાઈ બચુભાઈ સોલંકી (ઉં.વ. 50)ના ભાઈ રાજુભાઈ સાથે કોઈ બાબતે બોલાચાલી અને માથાકૂટ થઈ હતી. આ જૂની તકરારમાં પ્રવિણભાઈ વચ્ચે પડીને મામલો શાંત કરાવવાનો પ્રયાસ કર્યો હતો. આ વાતનો સગા કાકા ધિરૂભાઈના મનમાં ભારે રોષ ભરાયેલો હતો.

આ અદાવતનું વેર વાળવા માટે બુધવારે વહેલી સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં જ્યારે પ્રવીણભાઈ પોતાના ઘરના ફળિયામાં ખુલ્લામાં ઊંઘી રહ્યા હતા, ત્યારે આરોપી કાકા ધિરૂભાઈ ત્યાં પહોંચ્યા હતા. તેમણે ઊંઘમાંથી પ્રવિણભાઈને ઉઠાડીને બબાલ કરી હતી અને ઉશ્કેરાઈને માથાના ભાગે કુહાડીનો જીવલેણ ઘા ઝીંકી દીધો હતો. હ્નમલો કર્યા બાદ આરોપીએ પરિવારજનોને પણ ગર્ભિત ધમકી આપી હતી કે જો હવે પછી કોઈએ તેના પુત્રો સાથે માથાકૂટ કરી તો તેના પણ આવા જ હાલ કરવામાં આવશે, અને આમ કહીને તે નાસી છૂટયો હતો.

ગંભીર ઇજા પામીને લોહીલુહાણ હાલતમાં ફળિયામાં ફસડાઈ પડેલા પ્રવીણભાઈને તાત્કાલિક પરિવારજનો દ્વારા 108 એમ્બ્યુલન્સ મારફતે તાલાલા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, માથામાં ગંભીર ઈજા અને વધુ પડતા લોહી વહી જવાના કારણે તેમની સ્થિતિ નાજુક હોવાથી તબીબોએ તેમને વધુ સારવારાર્થે વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કર્યા હતા, જ્યાં હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબે પ્રવીણભાઈને મૃત જાહેર કર્યા હતા.

આ ગંભીર ગુનાની જાણ થતાં જ તાલાલા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતકના પુત્ર રવિભાઈ પ્રવિણભાઈ સોલંકી (ઉં.વ. 25) ની ફરિયાદ નોંધીને તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી હતી અને ઘટનાસ્થળની નજીકથી જ ફરાર આરોપી કાકાને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. તાલાલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. જયેશકુમાર મોરી દ્વારા આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક