જો કે, બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ ખાતાધારકોને જ લાગુ
નવી દિલ્હી, તા. 23 : ભારતીય સ્ટેટ બેંક દ્વારા આગામી 1 ઓક્ટોબરથી નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવી રહ્યો છે. જો તમારું ખાતું પણ એસબીઆઇમાં છે, તો હવે એટીએમમાંથી કેશ ઉપાડવા પર તમારે વધારાનો ચાર્જ ચૂકવવો પડી શકે છે. જો કે, આ નવો નિયમ તમામ ગ્રાહકોને લાગુ પડશે નહીં. બેંક દ્વારા આ અંગેની જાણકારી અગાઉ ઓગસ્ટ મહિનામાં જ આપવામાં આવી હતી.
આ ફેરફાર મુખ્યત્વે એવા ગ્રાહકોને અસર કરશે જેમણે બેંક શાખા દ્વારા ‘બેઝિક સાવિંગ્સ બેંક ડિપોઝિટ’ ખાતું ખોલાવ્યું છે. આ ખાતાધારકો માટે 1 ઓક્ટોબરથી મફત મર્યાદા કરતાં વધુ વખત રોકડ ઉપાડવા પર ચાર્જ લાગુ થશે.
બેંકના નિયમ મુજબ, ગ્રાહકોને દર મહિને ચાર વખત ફ્રીમાં કેશ કાઢવાની સુવિધા મળતી રહેશે, પરંતુ આ ફ્રી મર્યાદા પૂરી થયા બાદ, દરેક વધારાના કેશ વિડ્રોલ પર 15 રૂપિયા અને તેના પર લાગુ થતો જીએસટી ચાર્જ ચૂકવવો પડશે. એસબીઆઇએ પબ્લિક નોટિસ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર આ અંગેની માહિતી શેર કરી છે. જો કે, ડિજિટલ ટ્રાન્ઝેક્શન પહેલાની જેમ જ મફત રહેશે અને તેની સંખ્યા પર કોઈ મર્યાદા રાખવામાં આવી નથી.
આ સિવાય આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ દ્વારા થતા ટ્રાન્ઝેક્શનના નિયમોમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. અગાઉ, આવા ટ્રાન્ઝેક્શનને ડિજિટલ લેણ-દેણ ગણવામાં આવતું હતું અને તેને મહિનાની ચાર ફ્રી વિડ્રોલ લિમિટમાં ગણવામાં નહોતું આવતું, પરંતુ હવે એસબીઆઈએ આ છૂટ પાછી ખેંચી લીધી છે, એટલે કે હવે આવા ટ્રાન્ઝેક્શનને અલગ રીતે ગણવામાં આવશે.