ખાંભાના વાંકુનીધારમાં દોઢથી બે ઈંચ વરસાદથી નદી-નાળા છલકાયા; અમરેલી જિલ્લાના અનેક ગામોમાં વરસાદી ઝાપટાંથી ગરમી અને બફારામાંથી રાહત મળી
અમરેલી, ઉપલેટા તા.10: અમરેલી
જિલ્લામાં લાંબા સમયથી વરસાદ ખેંચાતા ચિંતામાં મુકાયેલા ખેડૂતો માટે રાહતના સમાચાર
સામે આવ્યા છે. જિલ્લામાં સતત બીજા દિવસે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા વાતાવરણમાં
ઠંડક પ્રસરી ગઈ છે. ખાસ કરીને ખાંભા તાલુકાના વાંકુનીધાર પંથકમાં અંદાજે દોઢથી બે ઈંચ
જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે સ્થાનિક નદી-નાળામાં નવા નીર આવ્યા છે અને પૂર
જેવી સ્થિતિ સર્જાતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.
બપોર બાદ અચાનક પલટાયેલા વાતાવરણને
કારણે લીલીયા તાલુકાના હરીપર ગામે ઘોઘમાર વરસાદ પડવાથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં.
આ ઉપરાંત, સાવરકુંડલા તાલુકાના વંડા ગામે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાવરકુંડલાના
મહુવા રોડ પંથકના વીજપડી, ખડસલી, નેસડી, મેવાસા, શેલણા અને મોટા ભમોદરા સહિતના ગામોમાં
હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડયા હતા. ખાંભાના ગીરકાંઠાના અનિડા, ભાડ, મોટા સમઢિયાળા
તેમજ ધારી તાલુકાના વીરપુર અને ઈંગોરાળા પંથકમાં પણ મેઘરાજાની સવારી પહોંચી હતી. લાંબા
સમયથી વરસાદની કાગડોળે રાહ જોઈ રહેલા અને પાક માટે પાણીની તાતી જરૂરિયાત અનુભવી રહેલા
ખેડૂતો માટે આ વરસાદ આશાનું કિરણ બનીને આવ્યો છે. જોકે જિલ્લામાં વરસાદનું વિતરણ અસમાન
રહ્યું છે, જ્યાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડયો છે તો કેટલાક સ્થળોએ માત્ર
હળવા ઝાપટાં જ જોવા મળ્યાં છે.
અમરેલીની સાથેસાથે ઉપલેટામાં
બપોરે 12:00 વાગ્યાના અરસામાં 7 મિમી વરસાદ નોંધાયો હતો, જેથી સીઝનનો કુલ વરસાદ
240 મિમી સુધી પહોંચ્યો છે. આ ઉપરાંત ઉપલેટા તાલુકાના વરજાંગ જાળિયા, નાની લાખા, અરણી
અને મેરવદર જેવા ગામોમાં પણ જોરદાર વરસાદી ઝાપટાં પડ્યા હોવાના અહેવાલ છે. લાંબા વિરામ
બાદ પડેલા આ વરસાદથી જગતના તાતમાં ફરી એકવાર ઉત્સાહનો સંચાર થયો છે અને ખેડૂતો આગામી
દિવસોમાં સારો વરસાદ થાય તેવી આશા સાથે મીટ માંડીને બેઠા છે.