• બુધવાર, 26 ઑગસ્ટ, 2026

ગુજરાત ATSએ પંજાબના વોન્ટેડ શાર્પ શૂટરને પાલનપુરથી દબોચ્યો

જગુ ભગવાનપુરિયા ગેંગ સાથે સંકળાયેલો શૂટર સ્થળ બદલીને છુપાતો ફરતો હતો

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ,તા.25: પંજાબના બટાલા વિસ્તારમાં થયેલા ચર્ચાસ્પદ ફાયારિંગ કેસમાં વોન્ટેડ મુખ્ય આરોપી સુખપિન્દર સિંહ ઉર્ફે સુખીને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા બાતમીના આધારે પાલનપુરની હોટલ સુંદરા ખાતે વોચ ગોઠવીને ઝડપી લીધો હતો. વધુ તપાસ અર્થે આરોપીને અમદાવાદ એટીએસની કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો. 

એટીએસની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે, શૂટર સુખપિન્દર સિંહ કુખ્યાત જગુ ભગવાનપુરિયા ગેંગ સાથે સંકળાયેલો છે. આરોપીએ કબૂલાત કરી હતી કે, તેણે 20 જુલાઈ 2026ના રોજ પોતાના સાગરીતો સાથે મળીને બટાલા વિસ્તારમાં ફાયારિંગ કર્યું હતું. જે હથિયાર તેણે પોતાના પિતરાઈ ભાઈને સોંપી દીધું હતું તેમજ ઘટના બાદ તે ધરપકડ ટાળવા માટે પંજાબથી ભાગીને હરિયાણા, દિલ્હી, હૈદરાબાદ અને નાંદેડ થઈને આશરો લેવા માટે ગુજરાતના પાલનપુર પહોંચ્યો હતો. સુખપિન્દર સિંહ સામે પંજાબ અને ગુજરાતમાં હત્યાનો પ્રયાસ, ફાયારિંગ, આર્મ્સ એક્ટ અને એનડીપીએસ સહિતના અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ગુજરાત એટીએસએ આરોપીની અટકાયત અંગે પંજાબ પોલીસને વિધિવત જાણ કરી છે અને બટાલા કેસમાં આગળની કાર્યવાહી માટે તેને પંજાબ પોલીસને સોંપવાની કાયદેસરની પ્રક્રિયા શરૂ કરાઈ છે. 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક