• બુધવાર, 26 ઑગસ્ટ, 2026

ધારાસભ્ય ચૈતર વસાવાને હાઈકોર્ટનો ઝટકો, જામીન અરજી ફગાવાઈ

વનકર્મીને મારપીટ અને ખંડણીના કેસમાં હાઈકોર્ટે કહ્યું કાયદો સર્વોપરી, કોઈ કાયદાથી ઉપર નહીં

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.24 : આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે. વનકર્મીને માર મારવાના કેસમાં ગુજરાત હાઈકોર્ટે આપના એમએલએની જામીન અરજી ફગાવી દીધી છે. હાઈકોર્ટ દ્વારા જામીન રદ થવાને કારણ હવે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ જોખમમાં મુકાયું છે. જામીન નામંજૂર થવાથી આપના ચર્ચીત ધારાસભ્ય ચૈતર વસાવાને જેલમાં જ રહેવું પડશે. હવે તેમની સમક્ષ સુપ્રીમ કોર્ટમાં જવાનો એકમાત્ર વિકલ્પ રહે છે. વનકર્મીને ધમકાવવા અને નાણાં માંગવાના કેસમાં ચૈતર વસાવા તેમના પત્ની શકુંતલા વસાવા સહિત 9ને રાજપીપળાની સેશન્સ કોર્ટે સાત વર્ષની જેલની સજા ફટકારી હતી. આ ચુકાદાને ચૈતર વસાવાએ હાઈકોર્ટમાં પડકારતી અરજી કરી હતી સાથે જ જામીન પણ માંગ્યા હતા. ગુજરાત હાઈકોર્ટે ધારાસભ્ય જેવો હોદ્દો ધરાવતા વ્યક્તિ સામે આવા આક્ષેપોને ગંભીર ગણીને કડક વલણ અપનાવ્યું હતું. 

જૂન 2025માં રાજપીપળા સેશન્સ કોર્ટે ચૈતર વસાવા સહિત પાંચ પુરૂષો અને ચાર મહિલાઓને 7-7 વર્ષની સજા ફટકારી હતી. આ કેસમાં ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા જામીન પર બહાર છે. ચૈતર વસાવા સિવાયના અન્ય પણ તમામ આરોપીઓ જામીન પર મુક્ત થયા છે. આજરોજ ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવા દ્વારા કરાયેલી બે અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં રાજ્ય સરકાર તરફથી એડવોકેટ મિતેષ અમીને ચૈતર વસાવા સામેના ગંભીર આરોપો અને અગાઉના ગુનાહિત રેકોર્ડની વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરી હતી, જ્યારે અરજદાર ચૈતર વસાવા તરફથી એડવોકેટ પુનીત જુનેજાએ દલીલો કરી હતી. 

રાજ્ય સરકાર તરફથી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે ચૈતર વસાવાએ વર્દીધારી વનકર્મીનો કોલર પકડીને તેની સાથે મારામારી કરી હતી. વનકર્મીઓ સરકારી            ફરજના ભાગરૂપે દબાણ હટાવવાની કામગીરી કરી રહ્યા હતા, ત્યારે તેમને ડરાવવામાં આવ્યા હોવાનો સરકારનો આક્ષેપ હતો. વનકર્મીઓને ધમકાવવા અને ડરાવવા માટે ચૈતર વસાવાએ હથિયાર મંગાવ્યું હતું અને હવામાં ફાયારિંગ પણ કર્યું હોવાનો સરકાર પક્ષે આક્ષેપ કરાયો હતો.

સરકારે વધુ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ચૈતર વસાવાના પીએ મારફતે કેટલાક વનકર્મીઓને ફોન કરીને ધમકી આપવામાં આવી હતી. વનકર્મીઓ પાસેથી રૂ. 60 હજારની ખંડણીની માંગ કરવામાં આવી હોવાનો સરકારનો દાવો છે. સરકારના જણાવ્યા પ્રમાણે, એક ફોરેસ્ટ ઓફિસરે બેંકમાંથી રૂ. 60 હજાર ઉપાડી ખંડણી તરીકે આપ્યા હતા અને આ સમગ્ર કાર્યવાહી ચૈતર વસાવાના ઈશારે કરાઈ હોવાનો આરોપ છે. 

સરકારના જણાવ્યા મુજબ, ચૈતર વસાવા સામે કુલ 22 ફરિયાદો નોંધાઈ હતી. તેમાંથી કેટલીક એફઆઈઆરમાં સમાધાન થયું છે, જ્યારે કેટલીક ફરિયાદો રદ પણ થઈ છે, પરંતુ હજુ પણ 12 ફરિયાદો પેન્ડિંગ હોવાનું સરકારે કોર્ટને જણાવ્યું હતું.

તમામ દલીલો બાદ હાઈકોર્ટે ચૈતર વસાવાને રાહત આપવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. કોર્ટે ટકોર કરી હતી કે કાયદો સર્વોપરી છે, કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી. કોર્ટે વધુમાં નોંધ્યું હતું કે જો ચૈતર વસાવાને આ તબક્કે રાહત આપવામાં આવે તો સમાજમાં ખોટો સંદેશ જઈ શકે છે.  

ઇ-પેપરના નવા શુલ્ક