• બુધવાર, 19 ઑગસ્ટ, 2026

સુરતમાં પંજાબી શાક ખાધા બાદ પાંચને ફૂડ પોઈઝાનિંગ, બાળકીનું મૃત્યુ

શીતલ રેસ્ટોરન્ટમાંથી મંગાવેલા કાજુ-પનીર શાક બાદ પરિવારની તબિયત લથડી; ચાર સભ્યો હોસ્પિટલમાં સારવાર હેઠળ

સુરત, તા.18 : સુરતના વરાછા વિસ્તારમાં શીતલ રેસ્ટોરન્ટમાંથી મંગાવેલું પંજાબી શાક ખાધા બાદ એક જ પરિવારના પાંચ સભ્યોને ફૂડ પોઈઝાનિંગની ગંભીર અસર થઈ હોવાની ઘટના સામે આવી છે. આ દુ:ખદ ઘટનામાં પાંચ વર્ષીય બાળકીનું મૃત્યુ નીપજ્યું છે, જ્યારે માતા-પિતા સહિત પરિવારના અન્ય સભ્યોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ, વરાછાની રણુજાધામ સોસાયટીમાં રહેતા અશોકભાઈ કળસરિયાના પરિવારે 15 ઓગસ્ટની રાત્રે શીતલ રેસ્ટોરન્ટમાંથી કાજુ અને પનીરનું પંજાબી શાક મંગાવ્યું હતું. શાક જમ્યા બાદ 16 ઓગસ્ટની વહેલી સવારે અશોકભાઈ અને તેમની એક દીકરીને પેટમાં અસહ્ય દુખાવો શરૂ થયો હતો. સ્થાનિક ક્લિનિકમાં સારવાર અને બોટલ ચડાવ્યા બાદ પણ રાહત ન મળતાં પરિવારના અન્ય સભ્યોની તબિયત પણ લથડી હતી. પરિવારને તાત્કાલિક સદવિચાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઈમરજન્સીમાં પહોંચ્યાના 15થી 20 મિનિટમાં પાંચ વર્ષીય આર્યાનું મૃત્યુ થયું હતું. હોસ્પિટલના તબીબી અહેવાલોમાં અન્ય ચાર દર્દીઓમાં ફૂડ પોઈઝાનિંગની અસર સામે આવી હોવાનું જણાવાયું છે.

ઘટનાની જાણ થતાં સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગના અધિકારીઓ અને પોલીસે રેસ્ટોરન્ટ પર પહોંચી તપાસ હાથ ધરી છે. બાળકીના મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.  દરમિયાન આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ અધિકારીઓ પાસેથી માહિતી મેળવી અસરગ્રસ્ત પરિવારને શ્રેષ્ઠ સારવાર મળે તે માટે સૂચનાઓ આપી હતી. તેમણે પરિવારજનો સાથે ટેલિફોનિક વાતચીત કરી સાંત્વના પાઠવી હતી અને રાજ્યની રેસ્ટોરન્ટોમાં સ્વચ્છતા તથા હાઈજિન અંગે બેદરકારી ન રહે તેવા નિર્દેશ આપ્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક