• મંગળવાર, 18 ઑગસ્ટ, 2026

મોરબીમાં પતિએ બોથડ પદાર્થના ઘા ઝીંકી પત્નીને મોતને ઘાટ ઉતારી

દીકરીને પૈસા આપવાની બાબતે ઉશ્કેરાયેલા પતિએ ઘાતકી હુમલો કરી ઘટનાસ્થળેથી પલાયન થઈ ગયો

(ફૂલછાબ ન્યુઝ)

મોરબી,તા.17:મોરબીના જૂના રફાળેશ્વર રોડ પર આવેલી આદ્યશક્તિ પેપર મિલ પાસેની કોલોનીમાં એક ચકચારી હત્યાનો બનાવ સામે આવ્યો છે. પારિવારિક અદાવત અને પૈસાની લેવડદેવડ બાબતે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ આવેશમાં આવેલા એક વ્યક્તિએ પોતાની પત્ની પર બોથડ પદાર્થ વડે જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓને કારણે મહિલાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે અને સ્થાનિક પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

આ સમગ્ર પ્રકરણની વિગતવાર માહિતી મુજબ, મૃતક શાંતાબેન ભૂરાભાઈ કતારા (ઉંમર વર્ષ 45) છેલ્લા કેટલાક સમયથી તેમના દીકરા સાથે રહેતા હતા. જ્યારે તેમના પતિ ભૂરાભાઈ બુધિયાભાઈ કટારા અલગ રહેતા હતા. મૃતક મહિલાએ પોતાની દીકરીને પૈસા આપ્યા હોવાથી આરોપી પતિએ “દીકરીને પૈસા કેમ આપ્યા?’’ તેમ કહીને ઝઘડો શરૂ કર્યો હતો. આ તકરાર ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા ભૂરાભાઈ કતારાએ શાંતાબેન પર બોથડ પદાર્થ વડે ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી નાખી હતી. આ દંપતીને સંતાનમાં બે દીકરા અને ત્રણ દીકરીઓ છે. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી પતિ ફરાર થઈ ગયો છે અને પોલીસે તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક