• બુધવાર, 12 ઑગસ્ટ, 2026

પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં આજે ઓરેન્જ એલર્ટ

આજે 99 તાલુકામાં વરસાદ, સૌથી વધુ શહેરામાં 5.35, કોઠંબામાં 5.16 ઇંચ

(અમારા પ્રતિનિધિ તરફથી) 

અમદાવાદ, તા. 11: ગુજરાતભરમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના કારણે અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી રહી છે. અમદાવાદ શહેર સહિત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જેમાં આજે પંચમહાલના શહેરામાં સાંજે સુધીમાં 5.35 ઇંચ વરસાદ પડયો હતો. આવતીકાલે પણ પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ અલબત્ત અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે અરવલ્લી, ખેડા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે 13 ઓગસ્ટે છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવી છે.

હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે ઉત્તર મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં લો-પ્રેશર સિસ્ટમ યથાવત છે. આ સિસ્ટમ સાથે જોડાયેલું ચક્રવાતી પરિભ્રમણ સરેરાશ સમુદ્ર સપાટીથી આશરે 5.8 કિલોમીટર સુધી વિસ્તરેલું છે અને ઊંચાઈ સાથે દક્ષિણ તરફ ઝૂકેલું છે. આ ઉપરાંત ચોમાસાની ધરી બિકાનેર, દતિયા, ઉત્તર મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારો, ડાલ્ટનગંજ અને દિઘા થઈને પૂર્વ-મધ્ય બંગાળની ખાડી તરફ આગળ વધી રહી છે.

આજે સાંજે છ વાગ્યા સુધીમાં 99 તાલુકાઓમાં વરસાદ પડયો હતો. જેમાં નોંધપાત્ર વરસાદ જોઇએ તો પંચમહાલના શહેરામાં 5.35, મહાસાગરના કોઠંબામાં 5.16, લૂણાવડામાં 2.72, બાલાસિનોરમાં 2.52, ગાંધીનગરના દહેગામમાં 2.09 અને વલસાડના ઉંમરગામમાં 2.05 વરસાદ પડયો હતો. જ્યારે બાકીના તાલુકાઓમાં બે ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો. નોંધનીય છે કે રાજ્યમાં સીઝનનો અત્યાર સુધીમાં 70.60 ટકા વરસાદ પડયો છે. જેમાં સૌથી ઓછો કચ્છમાં 29.05 ટકા અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 97.36 ટકા વરસાદ પડ્યો છે. દરમિયાનમાં અમદાવાદ શહેરમાં વહેલી સવારે 2 કલાકમાં જ ગાજવીજ સાથે 1 ઇંચ જેટલો ધોધમાર વરસાદ નોંધાયો છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક