-પ્રેમી
સાથે મળી પતિને સાયનાઇડ પીવડાવી કારખાનામાં દાટી દીધો : જામનગરમાં હચમચાવનારો હત્યાકાંડ
જામનગર,તા.29:જામનગરમાંથી બે વર્ષ પહેલાં ગુમ થયેલા એક યુવાનની ઘટનામાં ’દૃશ્યમ’ ફિલ્મની માફક ચોંકાવનારો ખુલાસો થયો છે, જેમાં શરૂઆતમાં ગુમ થયાનો કેસ મનાતો આ બનાવ હવે પ્રેમપ્રકરણમાં થયેલી પૂર્વયોજિત હત્યા હોવાનું ખૂલ્યું છે. મૃતકની પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને આઘાતજનક કાવતરું રચ્યું હતું અને પતિને મૃત્યુને ઘાટ ઉતાર્યા બાદ લાશને કારખાનામાં ઊંડો ખાડો ખોદીને દાટી દીધી હતી. આ બનાવ અંગે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરીને બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને દરેડ વિસ્તારમાં ફોરેન્સિક ટીમની હાજરીમાં જમીનમાંથી માનવ અવશેષો બહાર કાઢવાની સઘન કાર્યવાહી ચાલી રહી છે, જેના કારણે સમગ્ર જામનગર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
આ સનસનાટીભરી
ઘટનાની વિગતો આપતા પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક જીગ્નેશ ધર્મેશભાઈ માવદીયાની
પત્ની પૃથ્વી માવદીયાને નિલેશ મનસુખભાઈ કછેટીયા સાથે પ્રેમસંબંધ હતો, અને આ બંનેએ મળીને
જીગ્નેશને દારૂમાં સાયનાઇડ ભેળવીને મૃત્યુને ઘાટ ઉતાર્યો હતો. હત્યા બાદ પુરાવાનો નાશ
કરવા માટે તેમણે લાશને દરેડ ઋઈંઉઈ વિસ્તારમાં આવેલા એક કારખાનામાં લઈ જઈને અંદાજે
12 થી 15 ફૂટ ઊંડો ખાડો ખોદીને દાટી દીધી હતી. આ કરતૂત છુપાવવા માટે આરોપી પત્ની અવારનવાર
પરિવારજનોને એવું ખોટું કહેતી હતી કે તેનો પતિ નોકરી માટે ઓસ્ટ્રેલિયા ગયો છે અને ત્યાં
કંપનીમાં ફોન વાપરવાની પરવાનગી ન હોવાને કારણે તે વાત કરી શકતો નથી. આમ, તેણે આખી દિશા
બદલી નાખી હતી.
પરંતુ,
જ્યારે મૃતકના ભાઈ અશોક ધરમશીભાઈ માવદીયાએ પોતાના ભાઈ સાથે વાત કરવા માટે આગ્રહ રાખ્યો
અને પોલીસમાં જવાની ચીમકી આપી, ત્યારે પત્ની ગભરાઈ ગઈ હતી અને સમગ્ર ભાંડો ફૂટી ગયો
હતો. પોલીસે શંકાના આધારે સઘન પૂછપરછ કરતાં આખો ભેદ ઉકેલાયો હતો અને આરોપીઓની નિશાની
પરથી ફોરેન્સિક નિષ્ણાતોની મદદથી જમીન ખોદકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ગંભીર
પ્રકરણમાં પોલીસે પત્ની પૃથ્વી અને તેના પ્રેમી નિલેશ વિરુદ્ધ હત્યા અને પુરાવા નાશ
કરવા સબંધી કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.