• ગુરુવાર, 30 જુલાઈ, 2026

અમદાવાદની પતંગ હોટલના માલિકની 1.56 કરોડની ઠગાઈ મામલે ધરપકડ

કામરેજના ‘િનર્વાણા’ પ્રોજેક્ટમાં 15થી 16 રોકાણકારોને ઉમંગ ઠક્કરે બનાવ્યા શિકાર, જમીન અગાઉથી વેચાઈ હોવા છતાં બાકિંગનાં નામે ઉઘરાવ્યા કરોડો

અમદાવાદ, તા. 28 : સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં પ્લોટ વેચાણનાં નામે કરોડો રૂપિયાની છેતરાપિંડીના કેસમાં અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા બિલ્ડર અને જાણીતી પતંગ હોટલના માલિક તરીકે ઓળખાતા ઉમંગ ઠક્કરની કામરેજ પોલીસે ધરપકડ કરી છે. આરોપી સામે ખોલવડ ગામમાં આવેલા ‘િનર્વાણા’ પ્રોજેક્ટ હેઠળ ખુલ્લા પ્લોટ વેચવાના બહાને ગ્રાહકો પાસેથી અંદાજે રૂ. 1.56 કરોડ ઉઘરાવી છેતરાપિંડી કરવાનો આરોપ છે.

પોલીસ તપાસ મુજબ, જે જમીન પર ‘િનર્વાણા’ પ્રોજેક્ટ દર્શાવવામાં આવ્યો હતો તે જમીન વર્ષ 2018માં જ અન્ય વ્યક્તિને વેચાઈ ચૂકી હતી. જમીન પર માલિકી હક્ક ન હોવા છતાં ઉમંગ ઠક્કરે આકર્ષક જાહેરાતો અને રોકાણ પર સારા વળતરના વાયદા કરીને લોકોને પ્લોટ બુક કરાવવા પ્રેર્યા હતા. ભવિષ્યમાં પ્લોટનો કબજો મળશે તેવી આશાએ અનેક લોકોએ લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું.

તપાસમાં સામે આવ્યું છે કે આશરે 15થી 16 ગ્રાહકો આ કૌભાંડનો ભોગ બન્યા છે. આરોપીએ વિવિધ ગ્રાહકો પાસેથી કુલ રૂ. 1.56 કરોડથી વધુની રકમ વસૂલ્યાનો આક્ષેપ છે. જોકે, રોકાણકારોને ન તો પ્લોટનો કબજો મળ્યો અને ન તો તેમની ચૂકવેલી રકમ પરત મળી.

આ સમગ્ર મામલે સુરતમાં રહેતા પુષ્પકભાઈ દિનેશભાઈ પટેલે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. લાંબા સમય સુધી રાહ જોવા છતાં યોગ્ય જવાબ કે નાણાં પરત ન મળતાં તેમણે કાયદાનો આશરો લીધો હતો. ફરિયાદના આધારે સુરત ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી અને અમદાવાદથી ઉમંગ ઠક્કરની ધરપકડ કરી. હાલ પોલીસ આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે. ઉપરાંત, આ પ્રોજેક્ટમાં અન્ય કોઈ વ્યક્તિ, બિલ્ડર અથવા કંપનીની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક