શેરબજારમાં
જોખમ, બેંકોમાં નાણાની અપૂરતી સુરક્ષા, થાપણ પર નીચાં વ્યાજદરના સમયમાં સોનું સલામત
હતું પણ હવે રોકાણ મુશ્કેલ
રાજકોટ,
તા. 13 (ફૂલછાબ ન્યૂઝ) : સોનાની આયાત જકાતમાં 9 ટકા જેટલો તોતીંગ વધારો ઝવેરીઓની સાથે
ગ્રાહકો માટે પણ આંચકારૂપ સાબિત થયો છે. છેક નોટબંધી વખતથી સોનાના વ્યાપાર પર દર વર્ષે
કોઇને કોઇ નિયંત્રણો આવી રહ્યા છે પરિણામે ધંધો પીંખાઇ ગયો છે. સરકારે અગાઉના વર્ષોમાં
ધીરે ધીરે આપેલી જકાતની રાહત એક ઝાટકે ઝૂંટવાઇ ગઇ છે. હવે વિશ્વબજાર કરતા ઘરઆંઘણે સોનું
18 ટકા મોંઘું થઇ ગયું છે પરિણામે રોકાણકાર વર્ગ સલામત આશ્રયસ્થાન તરીકે સોનું ખરીદી
શકશે નહીં.
એક
ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરે કહ્યું કે, વિશ્વ બજારમાં સોનું ખાસ્સું મોંઘું થયા પછી ઘટીને
દોઢ લાખ આસપાસ સ્થિર થઇ રહ્યું હતુ. એવામાં જકાતને કારણે સીધો જ 9 ટકાનો તોતીંગ વધારો
થઇ ચૂક્યો છે.
મધ્યમ
વર્ગ કે પેન્શનર વર્ગ કે રોકાણકારને સોના સિવાય ક્યાંય સલામતી નથી કારણકે શેરબજારોમાં
અનેક શેરના ભાવ કાગળિયા થઇ ચૂક્યાં છે. બેંકોમાં બચત મૂકીને વ્યાજની આવક મેળવતા વર્ગને
ડિપોઝીટ ઉપર ફક્ત 5 લાખનું રક્ષણ મળે છે. બચત જળવાશે કે કેમ તેનો ભરોસો નથી. થાપણના
દર તળિયે છે. જમીન-મકાન લઇ શકાય એવા ભાવ નથી ત્યારે સોનામાં સલામતી અને થોડું વળતર
હતુ પણ હવે તે નહીં રહે એવું તેમણે ઉમેર્યું હતું.
સોનું
ખરીદવાનું ખર્ચ જકાત પૂર્વે જીએસટી સાથે નવ ટકા હતુ. હવે તે 18 ટકા થઇ ચૂક્યું છે.
એ રીતે વિશ્વ બજાર કરતા ભારતીય ગ્રાહક 18 ટકા વધારે નાણું ચૂકવે છે. વૈશ્વિક સ્તરે
જોખમો સામે સોનું હેજ કરવાનું હવે પરવડે તેમ નથી.
રાજકોટની
બજારમાં સોનાનો ભાવ એક દિવસમાં રૂ. 6500 પ્રતિ 10 ગ્રામ વધીને રૂ. 1,59,000 થઇ ગયો
છે જ્યારે ચાંદી એક કિલોએ રૂ. 13000 ઉંચકાઇને
રૂ. 2,70,000 થઇ ચૂકી છે.
એક
ઝવેરી કહે છેકે, બિઝનેસ તો ઘણા વર્ષથી ઉત્તરોતર ઘસાતો આવે છે. કોરોના પછી સોનાના વેપારમાંથી
ઘણો વર્ગ નીકળી ગયો છે. સતત વધતા ભાવ અને સરકારી હસ્તક્ષેપને લીધે મુશ્કેલી વધતી જાય
છે. જોકે ગ્રાહકોના મોરચે તો હવે નવી સમસ્યા દાગીનાના ઘડામણને લઇને પણ છે. ભૂતકાળમાં
મજૂરી રૂપિયામાં લેવાતી હતી પણ તે હવે ગ્રામ પ્રમાણે ટકાવારીમાં લેવાય છે એટલે સોનું
મોંઘું થાય એટલું ગ્રાહકનું ખર્ચ વધે છે. પરિણામે સોનાની ખરીદી જથ્થો ગણીને નહીં પણ
રૂપિયાના બજેટ પ્રમાણે કરવી પડે તેવો વખત આવી ગયો છે. એક ગ્રાહક કહે છે, 10 ગ્રામનો
કોઇપણ દાગીનો કરાવીએ તો સહેજે બે લાખ રૂપિયાનંર બિલ બની જાય છે એ હવે નાના વર્ગને પરવડે
તેવું નથી. માત્ર માંગલિક પ્રસંગોએ સોનું ખરીદવાનો ટ્રેન્ડ છે. જૂનું સોનું આપીને માત્ર
ઘડામણ કરાવવામાં આવે તો પણ મજૂરી મોંઘી પડી જાય એવો ઘાટ છે.