• બુધવાર, 13 મે, 2026

ખાન ખીજડિયામાં શ્વાને પિતાની નજર સામે જ બાળકીને ફાડી ખાધી ખેતમજૂર પરિવારે વહાલસોયી દીકરી ગુમાવી, વાડી વિસ્તારના ખેડૂતોમાં ફફડાટ

(ફૂલછાબ ન્યૂઝ)

વડિયા, તા.12: અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક વડિયાના ગ્રામીણ વિસ્તારમાં રખડતા શ્વાનોનો ત્રાસ હવે જીવલેણ બન્યો છે. ખાન ખીજડિયા ગામે ખેત મજૂરી કરતા એક પરપ્રાંતિય પરિવારની સાત વર્ષની બાળકી પર ત્રણ હિંસક શ્વાનોએ હુમલો કરી તેને મૃત્યુને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી માહિતી મુજબ ખાન ખીજડિયા ગામે વજુભાઇ હિરપરા વાડીએ રહી ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતા મધ્યપ્રદેશના ખેતમજૂર પરિવારની સાત વર્ષની અંજના નામની દીકરી રમી રહી હતી. ત્યારે અચાનક ત્રણ શ્વાન ત્યાં આવી તેના પર હીંચકારો હુમલો કરી તેને ગળાના ભાગે બાચકા ભરતા તે લોહી લુહાણ બની હતી. તેને 108 મારફતે વડિયા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવતા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. વાડી વિસ્તારમાં શ્વાનના આતંકથી ખેડૂતો અને ખેત મજૂરોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. થોડા સમય પેહલા તેની મોટી દીકરી પર પણ શ્વાને હુમલો કર્યા હતા અને તે ઘાયલ થતા તેને જૂનાગઢ સારવાર અર્થે ખાસેડાઈ હતી. ત્યાર બાદ ફરી આ નાની દીકરી પર હુમલો થતા તે મૃત્યુને ભેટી છે. ત્યારે શ્વાનના હુમલાથી ખાન ખીજડિયા ગામના વાડી વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક