ત્રણેય
માલઢોર ચરાવવા ગયા હતા, પાણીના ખાડામાં નહાવા ગયા બાદ
ડૂબી
જતાં મૃત્યુ
મોરબી,
તા.13 : મોરબીનાં જૂનાં સાદુળકા ગામ પાસે પાણી ભરેલા ખાડામાં ડૂબી જતાં બાળક સહિત ત્રણનાં
મૃત્યુ થતાં અરેરાટી ફેલાઈ છે. ત્રણ વ્યક્તિ ડૂબ્યાની માહિતી મળતા મોરબી ફાયર ટીમ દોડી
ગઈ હતી અને કલાકોની જહેમત ઉઠાવી મૃતદેહો બહાર કાઢવામાં સફળતા મળી છે.
બનાવની
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાનાં સાદુળકા ગામે પાણીના ખાડામાં 3 લોકો નહાવા ગયા
બાદ ડૂબી ગયાની માહિતી સવારે 11 વાગ્યાના અરસામાં ફાયર ટીમને મળી હતી. જેથી ફાયર ટીમના
તરવૈયાઓ દોડી ગયા હતા અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ફાયર ટીમે કલાકો સુધી સતત
શોધખોળ કર્યા બાદ ત્રણ કલાકથી વધુ સમય બાદ ત્રણ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતક
હાથાભાઈ કુંજાભાઈ રાતડિયા (ઉં.વ.28), જયદેવ સોંડાભાઈ રાતડિયા (ઉં.વ.11) અને કાળુભાઈ
ગીગુભાઇ ભરવાડ (ઉં.વ.31) એમ ત્રણ વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં. ફાયર ટીમે ત્રણેય મૃતદેહો
બહાર કાઢી પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ
ખસેડાયા છે. પોલીસે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે. હાલ પ્રાપ્ત વિગતો મુજબ ત્રણેય
મૃતકો માલઢોર ચરાવવા ગયા હતા અને પાણીના ખાડામાં નહાવા ગયા બાદ ડૂબી જતા મૃત્યુ થયા
છે. જોકે પોલીસ તપાસ બાદ વધુ વિગતો પ્રાપ્ત થશે હાલ બનાવને પગલે ગામમાં શોકનું મોજું
ફરી વળ્યું છે તો ત્રણેય મૃતકોના પરિવારમાં હૈયાફાટ રૂદનનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.