• બુધવાર, 13 મે, 2026

ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ લાવીને આયાત હળવી કરી શકાય : ઝવેરીઓ

વડાપ્રધાનની સોનું ન ખરીદવાની અપીલને આવકાર વચ્ચે ઉદ્યોગ-વેપારીઓમાં ભારોભાર ચિંતા

(ફૂલછાબ ન્યૂઝ)

અમદાવાદ, રાજકોટ, સુરત તા.12  : સોનાને સૌથી સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે પરંતુ અત્યારે સોનામાં રોકાણ કરવા અંગે નહીં પરંતુ સોનામાં રોકાણ નહીં કરવાની વધુ ચર્ચા થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશી હુંડિયામણ અનામતને વધારવા માટે એક વર્ષ સુધી સોનામાં બિનજરૂરી રોકાણ નહીં કરવા દેશવાસીઓને આહ્વાન કર્યું છે. એકતરફ કેટલાક લોકો સોનામાં રોકાણ ઘટવાથી ઉદ્યોગ સાથે સંકળાયેલા એક કરોડ લોકોની રોજગારી પર ખતરો ઊભો થવાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે. બીજીતરફ કેટલાક લોકો વડાપ્રધાનની આ સલાહને સરાહનીય માની રહ્યા છે.

ગુજરાતના બજાર પર પણ થવાની સંભાવના છે. અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ જીગર સોનીએ જણાવ્યું કે પાણી પહેલા પાળ બાંધવા તરીકે જોઈએ તો યુદ્ધને લીધે કટોકટીની સ્થિતિમાં જો ઈંધણના ભાવ વધશે તો સામાન્ય લોકોની થાળી સુધી તેની અસર વર્તાશે. 

ગુજરાતનું સરેરાશ ગોલ્ડ જ્વેલેરી માર્કેટ 450 કિલો આસપાસનું છે. એકલા અમદાવાદમાં જ 50-%5 કિલો જ્વેલેરીનો વેપાર થતો હોય છે. ગુજરાતમાં ગોલ્ડનું હબ રાજકોટ ગણાય છે જ્યાં સૌથી વધુ બુલિયનનો તેમજ જ્વેલેરીનો વેપાર નોંધાય છે.

અમદાવાદ માણેકચોક ચોક્સી મહાજનના પ્રમુખ ચીમનભાઈ ચોક્સીએ જણાવ્યું કે, પ્રસંગોપાત સોનાની ખરીદી ચાલુ રહેશે. છેલ્લા ઘણા સમયથી સોનાની ઊંચી કિંમતોને પગલે બજારમાં 20-30 ટકા કામકાજો થઈ રહ્યા છે. વડાપ્રધાનની અપીલથી જો વધુ 10 ટકા સોનામાં કામકાજ ઘટે છે તો બજારમાં તેની કોઈ મોટી વિપરીત અસર નહીં જોવા મળે. અમદાવાદ સ્થિત સોનાના ઘરેણાના વેપારી મનોજ સોનીએ જણાવ્યું કે, છેલ્લા એક વર્ષમાં સોનાના ભાવમાં 80 ટકાનો ઉછાળો થયો છે ત્યારે મોટાપાયે ઘરેણામાં વેપાર જૂનું આપીને નવું બનાવવાના થઈ રહ્યા છે.

ઇન્ડિયન બુલિયન અને જ્વેલર્સ એસોસિયેશન (ઇબજા)ના ગુજરાતના પ્રમુખ નૈનેશ પચ્ચીગર કહે છે કે, વડાપ્રધાનની અપીલ દેશહિતમાં છે. પરંતુ આ સાથે એ પણ કહેવાનું કે દેશહિતમાં સ્થાયી ઉકેલ માટે સુવ્યવસ્થિત મોનેટાઇઝેશન સ્કીમની તાત્કાલિક આવશ્યક છે.

ઘરોમાં પડેલા સોનાને યોગ્ય રીતે મોનેટાઈઝેશન અને પરિભ્રમણમાં લાવવામાં આવે તો તે દેશની અર્થવ્યવસ્થા માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. જીજેઈપીસીના ચેરમેન કિરીટ ભણસાલીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોનાની ખરીદી ઘટાડવાની અપીલને આવકારી છે. તેમણે જણાવ્યું હતું કે રત્ન અને આભૂષણ ઉદ્યોગ વર્તમાન વૈશ્વિક સ્થિતિ અને રાષ્ટ્રીય હિતને સમજે છે અને આ પડકારજનક સમયમાં દેશની સાથે ઉભો છે.

રાજકોટમાં જથ્થાબંધ સ્તરે દાગીના બનાવવાનું કામકાજ કરતા એક ઉત્પાદકે કહ્યું કે, છેક નોટબંધીથી સરકારની નજર આ ઉદ્યોગ પ્રત્યે કરડાકી થઇ ગઇ છે. ફોરેન એક્સચેંજ બચાવવા માટે આ ઉદ્યોગને જ ટારગેટ કરવામાં આવે છે તેના બદલે અલગ દૃષ્ટિએ વિચારવાની જરૂર છે. આ ઉદ્યોગ લાખો કારીગરોને રોજી આપે છે. નાનું મોટું પારાવાર કામકાજ આ ઉદ્યોગ કરે છે ત્યાં બધાને અસર થશે. એ ઉપરાંત બાંકિંગ સિસ્ટમ, આંગડિયા સેવાઓ અને હોલમાર્કિંગ સેન્ટરોના ધંધા પર ખરાબ અસર પડે તેમ છે. ઘણીબધી પ્રેસિયસ વસ્તુઓની આયાત થાય છે તેના પર અંકુશ કે નિયંત્રણો જરૂરી છે.

સરકાર ઘસાતા રૂપિયાને અટકાવવા માટે પ્રયાસો કરે છે પણ માત્ર સોનું એવી ચીજ નથી કે જેનાથી સ્થિતિ બદલાઇ જશે. ઉલટુ સ્થિતિ બગડે તેમ છે.

પેલેસ રોડ પર શો રૂમ ધરાવતા એક ઝવેરી કહે છેકે, સરકારે ખરીદી ઓછી કરવાની અપીલ કરી છે તેનાથી બજાર પર વજ્રઘાત થયો છે. કારણકે કોરોના પછી સતત વધતા જતા ભાવને લીધે આયાત અને સ્થાનિક માગ પર ઘણી માઠી અસર થઇ છે. ધંધા ખલાસ થઇ ચૂક્યાં છે ત્યારે હવે ફરીથી સોનું ઓછું ખરીદવાની અપીલ ગભરાવે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક