• બુધવાર, 22 એપ્રિલ, 2026

ખડગે બેલગામ : PM મોદીને કહ્યાં આતંકી

-વિવાદનાં વાદળ ઘેરાતા ખડગેએ ખુલાસો કર્યો : કહેવાનો અર્થ મોદી ડરાવે છે તેવો હતો

નવીદિલ્હી,તા.21: ચૂંટણીનાં ઉત્સાહ અને ઉન્માદમાં નેતાઓ છાસવારે જીભ ઉપરથી કાબૂ ગુમાવે છે અને પછી મોટા વિવાદો પેદા થઈ જતાં હોય છે. આવી જ એક ટિપ્પણીનાં કારણે હવે કોંગ્રેસનાં અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિવાદનાં કેન્દ્રમાં આવી ગયા છે અને પોતાનાં વિધાનની સ્પષ્ટતાઓ કરવા માંડયાં છે. ખડગેએ એક રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના આતંકવાદી સાથે કરી નાખી હતી. જોકે વિવાદ ઘેરાતા બાદમાં તેમણે સ્પષ્ટતા આપીને પોતાનાં બચાવમાં કહ્યું હતું કે, તેમનો કહેવાનો મતલબ એવો હતો કે, વડાપ્રધાન મોદી આતંકિત કરે છે એટલે કે ડરાવે છે.

ચેન્નઈમાં કાર્યકરોને સંબોધન કરતી વખતે મલ્લિકાર્જુન ખડગેએ અન્નાદ્રમુક (એઆઈએડીએમકે)ના ભાજપ સાથે ગઠબંધન પર પ્રશ્ન ઉઠાવ્યા હતા. તેમણે કડક શબ્દોમાં કહ્યું હતું કે, જે સમાનતા અને ન્યાયમાં વિશ્વાસ નથી ધરાવતો એવા મોદી સાથે અન્નાદ્રમુકના લોકો મોદી સાથે કેવી રીતે જોડાઈ શકે? ખડગેએ આગળ કહ્યું હતું કે, આવા લોકો સાથે હાથ મિલાવવો લોકશાહીને નબળી પાડવા જેવું છે. આ જ દરમિયાન તેમણે પ્રધાનમંત્રીના સંદર્ભમાં આતંકવાદી શબ્દનો ઉપયોગ કર્યો હતો.

જો કે વિવાદ વધતાં મલ્લિકાર્જુન ખડગેએ તરત જ પોતાના નિવેદન પર સ્પષ્ટતા આપી હતી અને કહ્યું હતું કે, મેં ક્યારેય એવું કહ્યું નથી કે પ્રધાનમંત્રી આતંકવાદી છે. મારા કહેવાનો અર્થ એવો હતો કે તેઓ લોકો અને રાજકીય પક્ષોને ડરાવવા-ધમકાવવાનું 

કામ કરે છે. ખડગેએ આગળ કહ્યું હતું કે, મોદી સતત ધમકીઓ આપે છે અને તેમના વર્તનથી રાજકીય માહોલમાં ડર ફેલાય છે. તેમણે આગળ સ્પષ્ટતા આપતાં કહ્યું હતું કે, તેમની ટિપ્પણીનો હેતુ પ્રધાનમંત્રીની કાર્યશૈલી પર સવાલ ઉઠાવવાનો હતો, વ્યક્તિગત હુમલો કરવાનો નહીં.

ખડગેનાં આ વિવાદાસ્પદ વિધાન પછી ભાજપે આ મુદ્દાને પકડી લીધો હતો અને સાંસદ સંબિત પાત્રાએ વળતી પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, આ કોંગ્રેસની એક ઈરાદાપૂર્વકની સાજિશ છે. રાહુલ ગાંધીના ઈશારે આવી ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે અને કોંગ્રેસ સતત પ્રધાનમંત્રીનું અપમાન કરે છે. પાત્રાએ કહ્યું કે કોંગ્રેસની આ માનસિકતા દેશવિરોધી છે અને જનતા તેને યોગ્ય જવાબ આપશે. પાત્રાએ આગળ કહ્યું હતું કે, કોંગ્રેસ ઝાકીર નાઈક જેવા લોકોને શાંતિદૂત અને વડાપ્રધન મોદીને આતંકી કહે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક