• બુધવાર, 22 એપ્રિલ, 2026

સિદ્ધપુર, મુંબઇમાંથી 2 આતંકીને ઝડપી લેતી ગુજરાત ATS

-ગઝવા-એ-હિન્દ, ISI સાથે સંપર્ક ધરાવતા આતંકી  બોમ્બ બનાવવાની તૈયારીમાં હતા

-દેશ વિરોધી પ્રવૃત્તિઓની ચેટ પણ મળી, ગુજરાત અઝજનું સિદ્ધપુર અને મુંબઈમાં ઓપરેશન

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.21: રાજ્યમાં સ્થાનિક ચૂંટણીનો પ્રચાર પડઘમ પૂરજોશમાં ચાલે છે ત્યારે જ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એ.ટી.એસ.)દ્વારા દેશ વિરોધી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. ગઝવા-એ-હિન્દ સ્થાપિત કરવાના સપનાં જોઈ રહેલા અને દેશમાં કટ્ટરપંથી વિચારધારા ફેલાવવા બદલ એટીએસએ બે યુવકોને દબોચી લીધા છે. પ્રાથમીક તપાસ મુજબ આરોપીઓ સોશિયલ મીડિયા મારફતે દેશ વિરોધી કાવતરું રચી ગઝવા-એ-હિન્દ સ્થાપિત કરવાની વિચારણા સાથે હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હતા. તેમના પાસેથી વાંધાજનક સાહિત્ય કબજે લેવામાં આવ્યું છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ આરોપીઓ ઈસ્લામિક સ્ટેટ (આઈ.એસ.) સાથે સંપર્ક ધરાવતા હોવાનું જણાયું છે. 

ગુજરાત એટીએસની ટીમે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાંથી ઈરફાન કાલેખાન પઠાણ (ઉં.22)ને ઝડપી લીધો છે. તથા મુંબઈ પોલીસની મદદથી મુંબઈના સાકીનાકા વિસ્તારમાંથી બિરયાનીની હોટલ ધરાવતા મુરશીદ ઝાહીદઅખ્તર શેખ (ઉં.21)ની ધરપકડ કરી છે.

આરોપીઓ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી હથિયારો મંગાવતા હતા તથા આતંકી પ્રવૃત્તિઓ માટે ફંડ એકત્ર કરવાનું આયોજન કરી રહ્યા હતા. તેઓ આરડીએક્સ અને અન્ય બોમ્બ બનાવવાની ટ્રાનિંગ લેવાની ફિરાકમાં હતા. આ બન્ને યુવકો ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ મારફતે આઈએસ જેવા આતંકી સંગઠનોના સંપર્કમાં હોવાનું ખુલ્યું છે. ઝડપાયેલા બન્ને શખસો વિવિધ રાજ્યોમાં સમાન વિચારધારા ધરાવતા લોકોને જોડવાની, તાલીમ આપવાની અને ગેરકાયદે પ્રવૃતિઓ માટે મોટું નેટવર્ક ઊભું કરવાની યોજના ઘડી રહ્યા હતા. ઈરફાન અને મુરશીદના મોબાઈલમાંથી દેશ વિરોધી પ્રવૃત્તિઓ સંબંધિત પ્લાનિંગની ચેટ અને કટ્ટરપંથી સામગ્રી મળી આવી છે. હાલ બંને આરોપીઓની ધરપકડ કરીને 11 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક