• મંગળવાર, 21 એપ્રિલ, 2026

ઉનાળુ વાવેતર હવે પૂર્ણ થવાની નજીક માવઠા ન નડે તો તલ અને મગફળીનું ઉત્પાદન વધશે

(ફૂલછાબ ન્યૂઝ)

રાજકોટ, તા.20 : ઉનાળુ વાવેતરની કામગીરી હવે ગુજરાતમાં મોટાંભાગે પૂર્ણ થવા આવી છે. અંતિમ ચરણમાં પણ હજુ વાવેતર ચાલુ છે, સપ્તાહમાં વિસ્તાર 27,420 હેક્ટર જેટલો વધીને 13.14 લાખ હેક્ટર સુધી પહોંચી ચૂક્યો છે. પાછલા વર્ષની તુલનાએ વાવેતરમાં 7 ટકા અને સરેરાશ કરતા 11 ટકાનો વધારો થયો છે. મગફળી અને તલના પાકના વાવેતર ખેડૂતોમાં પ્રિય બન્યા છે. હવામાન સારું છે એટલે ઉત્પાદકતા પણ વધવાની પૂરતી શક્યતા છે. હવે માવઠાં ન થાય તો મગફળી અને તલ બન્ને તેલિબિયાં પુષ્કળ પાકશે.

મગફળીમાં હજુ સરકારી એજન્સીઓ પાસે ટેકાના ભાવમાં ખરીદાયેલો પુષ્કળ સ્ટોક પડયો છે. લઘુતમ 10-12 લાખ ટન મગફળી પડી છે. એજન્સીઓએ રૂ. 1400 નીચેના ભાવથી આખી સીઝનમાં મગફળી વેંચી નથી પરિણામે અછતના સમયમાં પણ બહુ ઓછો જથ્થો વેંચાયો છે. હવે એક તબક્કો બિયારણની માગનો આવશે. એમાં ખાનગી સ્ટોકિસ્ટો પાસે પડેલી મગફળી વેચાઇ જશે. એ વખતે ઉનાળુ માલ બજારમાં આવી જશે એટલે ફક્ત પીલાણ અને દાણામાં જ સરકારી મગફળી જશે એમ બ્રોકરો કહે છે. સરકારી ગોદામોમાં બહ્ન સારી મગફળી નથી ત્યારે ભાવ માર્કેટ યાર્ડ જેટલો રાખીને વેચાણ કરવું જોઇએ એવી માગ ઉઠી છે. સમયસર માલનો નિકાલ નહીં થાય તો આવતી સીઝન સુધી જૂનો માલ ચાલે તેવી દહેશત છે.

મગફળીનું વાવેતર ગુજરાતમાં 68,318 હેક્ટર થયું છે. જે ગયા વર્ષ કરતા 21 ટકા વધારે છે. ઉત્પાદન આશરે એકથી સવા લાખ ટન થવાનો અંદાજ વાવેતરના આધાર પર મૂકાય છે.

તલનું વાવેતર 14 ટકા વધારે થતા 1,40,271 હેક્ટર રહ્યું છે. ડુંગળીનો વાવેતર વિસ્તાર 10,541 હેક્ટર રહ્યો છે, પાછલા વર્ષથી સહેજ ઘટાડો થયો છે. શેરડીનું વાવેતર સામાન્ય વધીને 14,139 હેક્ટર રહ્યું છે. ડાંગરનો વિસ્તાર 32 ટકા વધારે 1,34,035 હેક્ટર રહ્યો છે. બાજરીનું વાવેતર સરેરાશ કરતા 9 ટકા વધીને 3.49 લાખ હેક્ટર રહ્યું છે. મકાઇનો વિસ્તાર 7,663 હેક્ટર રહ્યો છે.

કઠોળમાં મગનું વાવેતર સરેરાશ કરતા 27 ટકા વધીને 64,944 હેક્ટર થયું છે. અડદનું પણ 27 ટકા વધી જતા 30,616 રહ્યું છે. અલબત્ત અડદનું વાવેતર ગયા વર્ષની સપાટીએ જ જળવાઇ રહ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક