• મંગળવાર, 21 એપ્રિલ, 2026

કાલાવડ નજીક હિટ એન્ડ રન, બેનાં મૃત્યુ બેને ઈજા થતાં સારવારમાં ખસેડાયા

(ફૂલછાબ ન્યુઝ)

જામનગર, કાલાવડ, તા. 20: કાલાવડ નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં બે લોકોના મૃત્યુ થયા છે તો બે લોકોને ઇજા પહેંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે કાલાવડમાં રહેતા કેસીબેન હરિભાઈ ચાનપા (ઉંમર વર્ષ 47) અને તેમના પતિ હરિભાઈ ચાનપા (ઉંમર 54) કે જેઓ  બપોરે કાલાવડ માર્કાટિંગ યાર્ડ રોડ પર આવેલા એક શેરડીના રસના ચિચોડા પાસે ઊભા રહીને રસ પી રહ્યા હતા. જે સ્થળે કાલાવડ તાલુકાના ડેરી ગામના વતની આયાન અશરફભાઈ ઠાસરીયા નામનો 13 વર્ષનો બાળક અને તેના પિતા અશરફભાઈ ઠાસરિયા (ઉંમર વર્ષ 45) કે જેઓ પણ શેરડીનો રસ પી રહ્યા હતા. જે દરમિયાન જામનગરથી કાલાવડ તરફ પુર ઝડપે આવી રહેલી જી.જે. 10 ડી.એ. 2745 નંબરની કારના ચાલકે કાબૂ ગુમાવી દીધો હતો, અને માર્ગની નજીક શેરડીનો રસ પી રહેલા ચારેય વ્યક્તિઓને અડફેટમાં લીધા હતા. જે ચારેયને ઠોકર માર્યા બાદ કારચાલક રોડથી નીચે ઉતરી ગયો હતો અને કારમાંથી પોતે ઉતરીને ભાગી છુટયો હતો. ઇજાગ્રત બનેલા ચારેય પૈકી કેશીબેનનું પતિ હરિભાઈની નજર સમક્ષ સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે અન્ય ઇજાગ્રસ્ત બનેલા પિતા-પુત્ર પૈકી 13 વર્ષીય પુત્ર અયાનનું પણ પિતા અશરફભાઈની નજર સમક્ષ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. 

આ ઉપરાંત હરિભાઈ ગંભીર સ્વરૂપે ઘાયલ થયા હોવાથી તેઓને કાલાવડની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, તે જ રીતે અશરફભાઈને પણ ગંભીર ઈજા થઈ હોવાથી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થવાથી કાલાવડનો પોલીસ કાફલો સરકારી હોસ્પિટલમાં અને બનાવના સ્થળે દોડી ગયો અને આ અકસ્માતના મામલે ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત રેઢી પડેલી કાર કબજે કરી લઈ તેના ચાલકની શોધખોળ હાથ ધરી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક