ફૂડ પોઈઝાનિંગના લાગી રહેલા કેસમાં હવે વધુ રહસ્ય ગૂંચવાયું, જિક રિપોર્ટ આવ્યા બાદ વધુ સ્પષ્ટતા થશે
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.9 : શહેરના ચાંદખેડા ઢોસાકાંડમાં પ્રજાપતિ પરિવારના ચાર લોકોએ ઢોસા ખાધા પછી બે
બાળકીના મૃત્યુ નિપજ્યા અને પતિ-પત્નીની હાલત ગંભીર છે. શરૂઆતમાં આ ઘટનાને ફૂડ પોઈઝાનિંગનો
કેસ માનવામાં આવ્યો હતો. ઘરના નજીકના ડેરીમાંથી લવાયેલા ખીરા અને ઢોસાની ગુણવત્તા પર
શંકા ઊભી થઈ હતી. તેમ છતાં વિમલ પ્રજાપતિ અને ભાવના પ્રજાપતિના બ્લડ સેમ્પલના રિપોર્ટમાં
ઊંઘની દવાના અંશો (એલ્યુમિનિયમ ફોસ્ફેટ) મળી આવ્યા છે. પોલીસે તપાસની દિશા બદલી છે,
આ કારણે હવે પ્રશ્ન ઊભો થાય છે કે, ઊંઘની દવા કેવી રીતે તેમના શરીરમાં પહોંચી અને શું
તે જ બાળકીના મૃત્યુનું મુખ્ય કારણ છે. ઘરમાંથી એકાદ દવા પણ મળી હોવાનું પોલીસ જણાવી
રહી છે.
ચાંદખેડા
પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યું કે, પતિ-પત્નીના નિવેદનો ફરીથી લેવાશે. હજુ એફએસએલનો
સત્તાવાર રિપોર્ટ મળવાનો બાકી છે, જે પરથી બાળકીઓના મૃત્યુનું ચોક્કસ કારણ બહાર આવશે.
અઢી માસની નાની અને ચાર વર્ષની મોટી દીકરીના અચાનક મૃત્યુએ સમગ્ર પરિવારમાં અને સ્થાનિક
સમુદાયમાં ભારે શોક મચાવ્યો છે. પોલીસ હવે અનેક ખૂણાઓની ઊલટતપાસ કરીને સત્ય બહાર લાવવાનો
પ્રયાસ કરી રહી છે. એફએસએલ રિપોર્ટ મળતા જ આ ગૂંચવાયેલા કિસ્સામાં મહત્ત્વપૂર્ણ ખુલાસો
થવાની શક્યતા છે.