SIR પ્રક્રિયામાં મતદાર યાદીમાંથી નામ કમી કરાતા નાગરિકે ચૂંટણી પંચના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો
(અમારા
પ્રતિનિધિ તરફથી): અમદાવાદ, તા. 9: ગુજરાતમાં તાજેતરમાં હાથ ધરાયેલી સ્પેશિયલ ઈન્ટેન્સિવ
રિવિઝન પ્રક્રિયામાં એક નાગરિકનું નામ વિધાનસભા મતવિસ્તારની યાદીમાંથી કમી કરાયું હોવાથી
આ મામલે ગુજરાત હાઈકોર્ટે નાગરિકને રાહત આપતો મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટના
અવલોકન મુજબ દરેક નાગરિકને ચૂંટણી પ્રક્રિયામાં એટલે કે મતદાનમાં ભાગ લેવાનો અધિકાર
છે.
જસ્ટિસ
એન. એસ. સંજય ગૌડા અને જસ્ટિસ જે.એલ. ઓડેદરાની ખંડપીઠે જણાવ્યું કે, ટેક્નીકલ કારણોસર
મતદારને મતદાનમાં ભાગ લેવાના અધિકારીથી વંચિત રાખી શકાય નહીં. ગુજરાત હાઇકોર્ટએ એક
પુરુષ મતદારનું નામ વિધાનસભા મતવિસ્તારની મતદાર યાદીમાં સામેલ કરવા ચૂંટણી અધિકારીઓને
આદેશ કર્યો હતો.
મતદાર
યાદીમાં નામ સામેલ કરવાની નાગરિકની અરજી સ્વીકારવામાં આવી હોવા છતાં તેનું નામ જાહેર
કરાયેલી મતદાર યાદીમાં સામેલ કરાયું ન હતું. હાઈકોર્ટે ટકોર કરતા કહ્યું કે, રાજ્ય
ચૂંટણી પંચ અને સત્તાવાળાઓએ એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે, સ્થાનિક સ્વરાજ્યના દરેક
રહેવાસીને મતદાનમાં ભાગ લેવાનો અધિકાર છે. આ માટે માત્ર એટલી શરત છે કે, તે મતદાર યાદીમાં
સમાવિષ્ટ હોવો જોઈએ. મતદાર યાદીનું સંચાલન કરવાની રીત નિયમો દ્વારા નિયંત્રિત થાય છે.
જોકે, એકવાર વિધાનસભા મત વિસ્તારની મતદાર યાદીમાં સુધારો થઈ જાય પછી અરજદારને નિયમો-1994
હેઠળ પ્રકાશિત અંતિમ યાદીમાં તેનું નામ સામેલ કરી તેનો લાભ આપવો જોઈએ.
મતદાર
યાદીમાંથી કમી કરી દેવાયેલા એક નાગરિકે ચૂંટણી પંચ સત્તાવાળાઓના નિર્ણયને ગુજરાત હાઈકોર્ટમાં
પડકાર્યો હતો. હાઈકોર્ટે રાજય ચૂંટણી પંચની દલીલોને ફગાવી અરજદાર નાગરિકની રિટ અરજી
મંજૂર રાખતાં તેમનું નામ આગામી તા. 10-04-2026ના રોજ પ્રકાશિત થનારી મતદાર યાદીમાં
પ્રસિદ્ધ થાય તે પ્રમાણે તેમનું નામ મતદાર યાદીમાં સામેલ કરવા ચૂંટણી અધિકારીને હુકમ
કર્યો હતો.