11થી 14 એપ્રિલ દરિયાકાંઠે ગરમ પવનો ફૂંકાશે
રાજકોટ, તા.9: રાત્રે ઠંડા પવનો, બપોરે ગરમી અને
છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ હાલ ગુજરાતમાં આ પ્રકારની વેધર સિસ્ટમ સક્રિય જોવા મળી
રહી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ, રાજસ્થાન અને પાકિસ્તાન પર સક્રિય થયેલી
ચક્રીય સિસ્ટમોને કારણે સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી 24 કલાક બાદ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો
વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમી વધશે, જ્યારે
11મી એપ્રિલથી સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને
ભેજવાળા પવનોને લીધે લોકોએ ભારે બફારાનો સામનો
કરવો
પડશે.
હવામાન
વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે
નહીં, પરંતુ ત્યારબાદ
રાજ્યભરમાં
ગરમીનો પારો 2થી 4 ડિગ્રી જેટલો ઊંચો જઈ શકે છે. હવામાન વિભાગે ખાસ કરીને સૌરાષ્ટ્ર,
કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે ‘િડસ્કમ્ફર્ટ કન્ડિશન’ (અસ્વસ્થતા)
ની આગાહી કરી છે. 11 એપ્રિલથી 14 એપ્રિલ દરમિયાન ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાવાને કારણે
લોકોને ભારે ગભરામણ અને બફારાનો સામનો કરવો પડી શકે છે. હાલમાં વાતાવરણમાં એકસાથે ત્રણ
સિસ્ટમો સક્રિય જોવા મળી રહી છે. નૈઋત્ય રાજસ્થાન અને તેની આસપાસના પાકિસ્તાન પર 1.5
કિમીની ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. બીજી તરફ, ઉત્તર પાકિસ્તાન અને
જમ્મુ-કાશ્મીર પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી ઊંચાઈ પર પવનોની ચક્રીય ગતિ જોવા
મળી રહી છે. આ ઉપરાંત, ઉત્તર પ્રદેશ પર પણ હવાનું દબાણ સર્જાતા પવનોની દિશા બદલાઈ રહી
છે, જેની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર પડશે.
હવામાન
ખાતા દ્વારા જારી આંકડાઓ પરથી જાણી શકાય છે કે આજે સૌથી વધુ ભુજમાં 37.2 ડિગ્રી ગરમી
પડી હતી જ્યારે મુખ્ય શહેરોના તાપમાન જોઇએ તો અમદાવાદમાં 35.7, બરોડામાં 35.2, ગાંધીનગરમાં
35.4, રાજકોટમાં 37.1 અને સુરતમાં 33.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.