સૌથી વધુ 3 તીવ્રતાનો ઝટકો; ગ્રામ્ય વિસ્તારમાં ભયનો માહોલ, લોકો ઘરની બહાર નીકળવા મજબૂર
અમરેલી,
તા.9 : જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મીતીયાળા પંથકમાં છેલ્લા 30 કલાક દરમિયાન સતત
ભૂકંપના આંચકાઓ અનુભવાતા ગ્રામ્ય વિસ્તારમાં ભય અને ચિંતા ફેલાઈ છે. અમરેલી જિલ્લાના
આ વિસ્તારમાં ગઈકાલે વહેલી સવારે આશરે 4:15 વાગ્યાથી શરૂ થયેલા આંચકાઓનો સિલસિલો આજે
સવારે પણ યથાવત રહ્યો હતો. સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, કુલ મળીને લગભગ 24 જેટલા
આંચકાઓ નોંધાયા છે, જેમાંથી છેલ્લા 30 કલાકમાં 14 નોંધપાત્ર આંચકાઓ આવ્યા છે.આજે વહેલી
સવારે 1:14 વાગ્યે 3 તીવ્રતાનો સૌથી વધુ શક્તિશાળી આંચકો નોંધાયો હતો. ત્યારબાદ 1:37
વાગ્યે 1.1 તીવ્રતા અને સવારે 8:58 વાગ્યે 1.5 તીવ્રતાના આંચકાઓ અનુભવાયા હતા. આ સતત
ઝટકાઓને કારણે મિતિયાળા સહિત આસપાસના ગામોમાં રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. ઘણા
લોકો સાવચેતીના ભાગરૂપે પોતાના ઘરની બહાર નીકળી ખુલ્લી અને સુરક્ષિત જગ્યાઓ પર સમય
પસાર કરતા જોવા મળ્યા હતા. આ ભૂકંપના આંચકાની અસર માત્ર મિતિયાળા પૂરતો મર્યાદિત રહ્યો
નહોતો, પરંતુ ભાડ, વાંકિયા, ધજડી, સાકરપરા અને ઈંગોરાળા જેવા નજીકના ગામોમાં પણ ઝટકાઓ
અનુભવાયા હતા. સિસ્મોલોજી વિભાગ ગાંધીનગર દ્વારા આ તમામ આંચકાઓની સત્તાવાર પુષ્ટિ કરવામાં
આવી છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. હાલ સુધી કોઈ જાનહાનિ કે મોટા
પ્રમાણમાં નુકસાનની માહિતી પ્રાપ્ત થઈ નથી, પરંતુ સતત આવતાં આંચકાઓને કારણે લોકોમાં
ભય અને અનિશ્ચિતતા યથાવત્ છે.