• બુધવાર, 11 માર્ચ, 2026

‘અગાઉના મેઈલ પોલીસનો ‘િરસ્પોન્સ ટાઈમ’ જાણવા કર્યા હતા’

રાજકોટ, ભાવનગર, જામનગર, અમરેલી, જુનાગઢ, મોરબી, સુરત પોસ્ટ ઓફિસ તથા પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી : વડોદરાની પારુલ યુનિવર્સિટીને પણ ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થયું

સુરતમાં મેઈલમાં 2 હજાર કરોડના ડ્રગ્સ રેકેટનો અને મદ્રાસ ટાઈગર્સનો ઉલ્લેખ

રાજકોટ તા.10 : રાજ્યમાં ફરી એકવાર પાસપોર્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસ, યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઈલ મળ્યો હતો. વડોદરાની પારૂલ યુનિવર્સિટી, અમદાવાદની પાસપોર્ટ ઓફિસ, ભાવનગરમાં હેડ પોસ્ટ ઓફિસમાં આવેલા પાસપોર્ટ વિભાગ અને સુરત, જૂનાગઢ સહિતના અનેક શહેરોમાં પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઈલ મળતા દોડધામ મચી હતી.  ધમકી મળતાં જ બોમ્બ-ડોગ સ્કવોડ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તમામ સંકુલને ખાલી કરાવી ચાકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસના અંતે કોઈ પણ જગ્યાએ શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી આવી નહોતી. સુરતમાં મળેલા મેઇલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અગાઉના મેઈલ પોલીસનો ‘િરસ્પોન્સ ટાઈમ’ જાણવા કર્યા હતા.

ભાવનગર : હેડ પોસ્ટ ઓફિસના પાસપોર્ટ વિભાગને ઈ-મેઈલ દ્વારા બોમ્બની ધમકી મળતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આજે ફરી ધમકી મળતા દોડધામ મચી ગઈ હતી. આ ધમકીના પગલે ભાવનગર પોલીસ કાફલો તાત્કાલિક એક્શનમાં આવ્યો હતો. એસ.ઓ.જી., એલ.સી.બી. અને બોમ્બ સ્ક્વોડની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર પોસ્ટ ઓફિસ ખાલી કરાવી હતી અને આસપાસના રસ્તાઓ સલામતીના ભાગરૂપે બંધ કરી દીધા હતા.

જામનગર : મુખ્ય પોસ્ટ ઓફિસને આજે ફરીથી બૉમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈ-મેલ મળ્યા બાદ પોલીસ તંત્રમાં હરકતમાં આવી ગયું હતું, અને એલ.સી.બી., એસ.ઓ.જી., ડોગસ્કોડ, બોમ્બ સ્ક્વોર્ડ સહિતનું સુરક્ષાતંત્ર દોડતું થયું હતું. ઘટના સ્થળે દોડી જઈ સમગ્ર પોસ્ટ ઓફિસની બારીકાઈથી ચકાસણી કરવામાં આવી રહી છે. પોસ્ટ ઓફિસમાં હાજર રહેલા તમામ કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે કશું વાંધાજનક મળ્યું નથી.

અમરેલી : ડિસ્ટ્રિક્ટ કોર્ટને ગઈકાલે ધમકી ભરેલા ઇ-મેલ મળ્યાં બાદ આજે ફરી એક વખત શહેરની પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કચેરીને ફરી એક વખત ધમકી ભર્યો ઈ-મેઈલ મળતા પોલીસ તંત્રમાં હડકંપ મચી ગયો હતો. જેને લઈ પોલીસે ઓફિસ ખાલી કરાવી તપાસ હાથ ધરી હતી. પરંતુ કોઈ વાંધજનક વસ્તુ મળી ન હતી.

જુનાગઢ : પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની 11 દિમાં બીજી ધમકી મળતા દોડધામ મચી ગઈ હતી .પોલીસે પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસનો ખૂણે ખૂણો ફેદી માર્યો હતો પરંતુ કશું વાંધાજનક નહીં મળતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે. 

વડોદરા : વાઘોડિયા તાલુકાના લીમડા ગામે આવેલી પારુલ યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈમેઈલ મળતા સમગ્ર કેમ્પસમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. યુનિવર્સિટી સત્તાવાળાઓએ તાત્કાલિક વિદ્યાર્થીઓની સુરક્ષા માટે જરૂરી પગલાં ભર્યા હતા, જ્યારે પોલીસે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી સમગ્ર કેમ્પસના ખૂણેખૂણામાં સઘન ચાકિંગ હાથ ધરી તપાસ શરૂ કરી હતી.

મોરબી : પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા મેઈલને પગલે પોલીસ વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. જોકે બોમ્બ સ્કોડની તપાસમાં કઈ વાંધાજનક મળ્યું ન હતું.

સુરત : પ્રાદેશિક પાસપોર્ટ કચેરીને આજે સવારે એક ગંભીર અને વિસ્ફોટક ઈ-મેઇલ મળતા સુરક્ષા એજન્સીઓની સાથે સાથે પોલીસ પણ દોડતી થઈ હતી. આ ઈ-મેઇલમાં માત્ર સુરત જ નહીં, પરંતુ દેશની આંતરિક સુરક્ષાને લઈને પણ અનેક ચોંકાવનારા દાવા કરવામાં આવ્યા હતા. 2 હજાર કરોડના ડ્રગ્સ કેસથી લઈને સાય નાઈડ ગેસના પ્રયોગ સુધીની વાતો આ મેઈલમાં લખવામાં આવી હોવાનુ જાણવા મળ્યુ છે. આજે સવારે એલેક્સ પોલ-મેનોન ।઼આઉટ લૂક.કોમ નામના આઈડી પરથી પાસપોર્ટ ઓફિસને મળેલા મેઈલમાં સ્પષ્ટ લખ્યું હતું કે, તમારી પાસપોર્ટ ઓફિસમાં 5 સાયનાઈડ ગેસ ભરેલા આઈઈડી વિસ્ફોટ થશે. બપોરે 1.10 વાગ્યા સુધીમાં મોં અને નાક ઢાંકીને ઓફિસ ખાલી કરી દેવી. પત્રમાં તમિલનાડુની રાજનીતિ અને ત્યાંના સત્તાધારી પક્ષના નેતાઓ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પત્રમાં લખ્યું છે કે આ સંગઠન અલ-બદર અને તાલિબાન જેવી વિચાર ધારા સાથે જોડાયેલું છે અને તેઓ ભારતભરમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો કરવાનું આયોજન કરી રહ્યા છે. પત્રની નીચેના ભાગમાં મોકલનારે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, આ કોઈ અફવા નથી. અગાઉના જે મેઈલ અથવા અફવાઓ ફેલાવવામાં આવી હતી, તે માત્ર ગુજરાત પોલીસની બીડીડીએસ બોમ્બ સ્ક્વોડ અને એટીએસ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડનો રિસ્પોન્સ ટાઈમ માપવા માટે કરવામાં આવી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક