• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

વિશ્વરાજની દોઢી સદીથી વિજય હઝારે ટ્રોફીમાં સૌરાષ્ટ્ર ફાઇનલમાં

પંજાબ સામે 9 વિકેટે જોરદાર વિજય : ચેતન સાકરિયાની 4 વિકેટ

બેંગ્લુરુ તા.16: યુવા ઓપનિંગ બેટર વિશ્વરાજ જાડેજાની 16પ રનની આક્રમક અને અણનમ સદીની સહારે સૌરાષ્ટ્ર ટીમે વિજય હઝારે ટ્રોફીના ફાઇનલમાં પ્રવેશ કર્યોં છે. જયાં તેની ટકકર રવિવારે વિદર્ભ ટીમ વિરૂધ્ધ થશે. આજે રમાયેલા બીજા સેમિ ફાઇનલમાં પંજાબ સામે સૌરાષ્ટ્રનો 9 વિકેટે જોરદાર વિજય થયો હતો. 292 રનનો વિજય લક્ષ્યાંક સૌરાષ્ટ્રે 39.1 ઓવરમાં જ ફકત 1 વિકેટ ગુમાવીને 63 દડા બાકી રાખીને હાંસલ કરી લીધો હતો. પ્લેયર ઓફ ધ મેચ વિશ્વરાજ જાડેજાએ 127 દડામાં 18 ચોક્કા અને 3 છક્કાથી 16પ રનની અણનમ અને મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. જયારે ચેતન સાકરિયાએ 4 વિકેટ ઝડપી હતી.

વિશ્વરાજ અને કપ્તાન હાર્વિક દેસાઇ વચ્ચે પહેલી વિકેટમાં 172 રનની સંગીન ભાગીદારી થઇ હતી. હાર્વિકે 63 દડામાં 9 ચોક્કાથી 64 રન કર્યાં હતા. પ્રેરક માંકડ 49 દડામાં 7 ચોક્કાથી બવાન રને નોટઆઉટ રહ્યો હતો અને વિશ્વરાજ સાથે બીજી વિકેટમાં 121 રનની ઝડપી ભાગીદારી કરી હતી. આથી સૌરાષ્ટ્રના 39.1 ઓવરમાં 1 વિકેટે 293 રન થયા હતા અને જીત સાથે ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

અગાઉ સૌરાષ્ટ્રના કપ્તાન હાર્વિક દેસાઇએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી. જો કે પંજાબ ટીમ પ0 ઓવરમાં 9 વિકેટે 291 રનનો પડકારરૂપ સ્કોર કરવામાં સફળ રહ્યું હતું. પંજાબ તરફથી કપ્તાન પ્રભસિમરન સિંઘે 89 દડામાં 9 ચોક્કા-3 છક્કાથી 87 અને અનમોલપ્રિત સિંઘે 10પ દડામાં 9 ચોક્કા-1 છક્કાથી 100 રનની ઇનિંગ રમી હતી. આ બન્ને વચ્ચે બીજી વિકેટમાં 109 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. આ પછી પંજાબ ટીમની સમયાંતરે વિકેટ પડતી રહી હતી. આથી 291 રનના સ્કોર પર અટકી ગઇ હતી. આ દરમિયાન રમનદીપે 42 રનનું યોગદાન આપ્યું હતું. આ પહેલા ઓપનર હરનૂર સિંઘ 33 રન કરી આઉટ થયો હતો. સૌરાષ્ટ્ર તરફથી ચેતન સાકરિયાએ 60 રનમાં 4 વિકેટ લીધી હતી. જયારે વાપસી કરનાર પૂર્વ કપ્તાન જયદેવ ઉનડકટને 1 વિકેટ મળી હતી. અંકુર પનવાર અને ચેતન જાનીએ 2-2 વિકેટ લીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક